Indian History

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા :-
આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ધિલ્લોન, સહગલ તથા શાહનવાઝખાન પર રાજદ્રોહનો આરોપ મૂકી દિલ્હીના લાલ કિલ્લામાં તેમના પર મુકદમો ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ તથા જવાહરલાલ નહેરુ તેમના વતી કેસ લડ્યા. બ્રિટિશ સરકારે તેમને કરેલી સજા સામે દેશમાં વિરોધ પ્રગટ થતાં સરકારે તેમને માફી આપી હતી. મુંબઈના તલવાર જહાજના નૌકા સૈન્યના બળવાથી (18 થી 23 ફેબ્રુઆરી, 1946) અંગ્રેજ સરકારને લાગ્યું કે હવે ભારતને વધુ સમય ગુલામ રાખી શકાય તેમ નથી. આથી સરકારે  કેબિનેટ મિશન ભારત મોકલ્યું. જેનો હેતું ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપી શકાય તે નક્કી કરવાનો હતો. બ્રિટનના વડાપ્રધાન એટલીએ 20મી ફેબ્રુઆરી, 1947ના રોજ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના અનુસાર રચાનાર હિંદની સરકારને તમામ સત્તાઓ સોંપી જૂન, 1948 સુધીમાં હિંદમાંથી વિદાય થશે. તે અનુસાર 24 માર્ચ, 1946થી કેબિનેટ મિશન અંતર્ગત ચર્ચાસભાઓની શરૂઆત થઈ. બદલાયેલી પરિસ્થિતિમાં હિંદના વાઈસરોય તરીકે વેવેલને સ્થાને માઉન્ટબેટનની નિમણૂક કરાઈ. અગાઉ બંધારણસભાની રચના માટે જુલાઈ, 1946માં હિંદના ’, અને જૂથમાં મૂકાયેલા પ્રાંતો અને વિસ્તારોમાંથી કોંગ્રેસને કુલ 210 માંથી 201 અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળેલી. આમ, બંને પક્ષો પોતપોતાની રીતે સબળ પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં સક્ષમ સાબિત થયેલા.
જુલાઈ, 1946માં બંધારણ સભાની ચૂંટણીઓ યોજાઈ. તેમાં કોંગ્રેસે મોટી સંખ્યામાં બેઠકો મેળવી. આ દરમ્યાન મુસ્લિમ લીગે કેબિનેટ મિશન યોજનાનો વિરોધ કરી સરકાર પર દબાણ લાવવા 16 ઑગસ્ટ, 1946નો દિવસ સીધાં પગલાં દિન તરીકે હિન્દના મુસ્લિમોને પાળવા આદેશ આપતાં હિંદમાં સર્વત્ર અને ખાસ કરીને કલકત્તામાં ભયંકર કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં. આવા વાતાવરણની વચ્ચે પણ કોંગ્રેસે વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના કરી. શ્રી જવાહરલાલ નહેરુ આ સરકારના વડા બન્યા. આ સરકારે 2 સપ્ટેમ્બર, 1946થી તેની કામગીરીનો પ્રારંભ કર્યો. મુસ્લિમ લીગના વિરોધને કારણે વચગાળાની સરકાર કામ કરી શકતી ન હતી. આથી બ્રિટનની સરકારે વાઈસરોય તરીકે માઉન્ટ બેટનને મોકલ્યા.
બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી. 250 સભ્યોની હાજરીવાળી પ્રથમ બેઠકનો મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો. 31મી જાન્યુઆરી, 1947ના રોજ મળેલી મુસ્લિમ લીગની કારોબારીએ બંધારણસભાનો બહિષ્કાર કરવાનો અને પાકિસ્તાનની માગણી માટેનો કાર્યક્રમ જલદ તથા વ્યાપક બનાવવાનો નિર્ણય કર્યો. આથી હિંદના ભાગલા સિવાય અન્ય કોઈ વિકલ્પ દેખાતો ન હતો.
માઉન્ટબેટન યોજના :-
3 જૂન, 1947ના રોજ બ્રિટિશ પ્રધાનમંડળની સંમતિ પછી માઉન્ટ બેટને એક યોજના કોંગ્રેસ સમક્ષ રજૂ કરી, જે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખાય છે. મુસ્લિમ લીગના નેતા જિન્હાએ તે સ્વીકારવાની આનાકાની કરતાં માઉન્ટ બેટને જણાવ્યું કે, આ યોજના જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપમાં જો તેઓ સ્વીકારશે નહિ, તો કોઈ પણ સંજોગોમાં અલગ પાકિસ્તાન આપી શકાશે નહિ.”
આથી જિન્હાએ પણ તેનો સ્વીકાર કર્યો. માઉન્ટ બેટન યોજનાને કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સંમતિ મળતાં તેનો ભારતીય સ્વાતંત્ર્ય ધારો 1947 તરીકે અમલ કરવામાં આવ્યો.

ભારતીય સ્વાતંત્ર્ય ધારો :-
બ્રિટિશ પાર્લામેન્ટે 4 જુલાઈ, 1947ના રોજ ભારતીય સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. તેનો 14 ઑગસ્ટ મધ્યરાત્રીથી અમલ થયો. તે મુજબ 14 ઑગસ્ટના રોજ પાકિસ્તાન અને  15 ઑગસ્ટના રોજ ભારત એમ બે રાષ્ટ્રોનું નિર્માણ થયું.
ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કરનું અને લશ્કરી શસ્ત્રસરંજામનું વિભાજન 20 નવેમ્બર સુધીમાં પૂર્ણ કર્યું. 28 ફેબ્રુઆરી, 1948 સુધીમાં બ્રિટિશ લશ્કરોએ ભારતમાંથી વિદાય લીધી.
જૂન, 1948માં માઉન્ટ બેટન નિવૃત્ત થતાં તેમના સ્થાને ચક્રવર્તી રાજગોપાલાચારીની નિમણૂક કરવામાં આવી. 1946માં તેઓ નહેરુ પ્રધાનમંડળમાં ઉદ્યોગ અને શિક્ષણ ખાતાના પ્રધાન હતા. ભારતની આઝાદી બાદ તેઓ બંગાળા પ્રાંતના ગવર્નર બન્યા હતા. તેઓ રાજાજીના નામે પણ ઓળખાતા.

સીમાપંચ :-
ભારતના ભાગલા થવાથી બીજી કેટલીક સમસ્યાઓ ઉભી થઈ. આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ગવર્નર જનરલ માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે એક ભાગલા સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ ભારત અને પાકિસ્તાન બંને દેશોની સીમાઓ નક્કી કરવા માટે બે પંચોની નિમણૂક કરી. એક પંચ પશ્ચિમ પંજાબ અને પૂર્વ પંજાબ માટે, જ્યારે બીજુ પંચ પશ્ચિમી બંગાળા અને પૂર્વ બંગાળા માટે નીમાયું હતું. બંનેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના બે બે પ્રતિનિધિઓ લેવામાં આવ્યા. બંનેના અધ્યક્ષ શ્રી સીરીલ રેડક્લિફ હતા. ચુકાદો અધ્યક્ષે આપવાનો હતો. એ મુજબ પંજાબ પ્રાંતનો 38% પ્રદેશ પૂર્વ પંજાબ ભારતને તથા તેનો 62% પ્રદેશ પશ્ચિમ પંજાબ પાકિસ્તાનને અપાયો. બંગાળા પ્રાંતનો 36% પ્રદેશ પશ્ચિમી બંગાળા ભારતને તથા બાકીનો 64% પ્રદેશ પૂર્વ બંગાળા પાકિસ્તાનને ફાળવવામાં આવ્યો.

ભાગલા બાદ હિજરતનો પ્રવાહ ભારે તોફાની અને લોહિયાળ બન્યો હતો. આઝાદી બાદ ભારતમાં 65 લાખ હિજરતીઓ આવ્યા હતા.

દેશી રાજ્યોનું વિલીનીકરણ :-
દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી સરદાર પટેલને સોંપાઈ હતી. તે સમયે તેઓ ગૃહપ્રધાન અને રિયાસતી ખાતાના પ્રધાન હતા. આ કાર્યમાં એમના મુખ્ય સચિવ શ્રી વી. પી. મેનનનો  પણ ફાળો હતો.
હૈદરાબાદ :-
હૈદરાબાદ એ દક્ષિણ ભારતમાં આવેલું સૌથી મોટું રાજ્ય હતું. અહીંની મોટાભાગની વસ્તી હિંદુ હતી. પરંતુ શાસક નિઝામ મુસ્લિમ હતો. આઝાદીના સમયે અહીં રઝાકાર નામે ઓળખાતું અર્ધલશ્કરી દળ હતું અને તેના નેતા કાસીમ રઝવી હતા. તેઓ હૈદરાબાદને સ્વતંત્ર રાજ્ય બનાવવા ઈચ્છતા હતા. સરદાર પટેલે હૈદરાબાદ સામે લશ્કરી પગલાં લીધાં અને 18 સપ્ટેમ્બર, 1945ના રોજ ભારતીય સૈન્યો હૈદરાબાદમાં ઉતારવામાં આવ્યાં. આ પછી માત્ર ચાર જ દિવસમાં હૈદરાબાદ શરણે થયું અને તેનું ભારતસંઘ સાથે જોડાણ કરવામાં આવ્યું.
કાશ્મીર :-
અહીં હિંદુ મહારાજા હરિસિંહનું રાજ્ય હતું. જો કે અહીંની મોટાભાગની વસ્તી મુસ્લિમ હતી. મહારાજાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે યથાવત સ્થિતિ (સ્ટેન્ડ સ્ટીલ)ના કરાર કરવાની ઈચ્છા બતાવી. આ પછી તેમણે પાકિસ્તાન સાથે આ મુજબના કરાર કર્યા પણ ખરા. પરંતુ ભારત આ અંગે કોઈ નિર્ણય લે તે પહેલાં પાકિસ્તાન તરફી તાયફાવાળાઓ (ભારત-પાકિસ્તાન વચ્ચેના પ્રદેશમાં રહેનારાઓનો એક જાતિ સમૂહ) એ કશ્મીર પર હૂમલા કરવા માંડ્યા. પાકિસ્તાને તેમને લશ્કરી સહાય અને દોરવણી આપી. આથી મહારાજાએ ભારત સરકારની મદદ માંગી. પરિણામે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. છેવટે સંયુક્ત રાષ્ટ્રોની દરમ્યાનગીરીથી યુદ્ધવિરામ જાહેર થયો. કશ્મીરનો પ્રશ્ન યુ.એન.ને સોંપાયો અને કશ્મીરમાં શેખ અબ્દુલ્લાની બંધારણીય સરકારની રચના કરવામાં આવી. યુદ્ધ દરમ્યાન કાશ્મીરનો કેટલોક પ્રદેશ પાકિસ્તાનના કબજા હેઠળ રહ્યો. આ પ્રદેશ આઝાદ કાશ્મીરના નામે ઓળખાયો.

નિધન :-
30 જાન્યુઆરી, 1948ના રોજ સાંજના સમયે ગાંધીજીની નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી. આ જ સમયે હિંદની બુલબુલ તરીકે ઓળખાતાં શ્રીમતી સરોજીની નાયડુનું અવસાન થયું. તેઓ ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલા ગવર્નર હતાં.

બંધારણનો અમલ :-
1946માં કેબિનેટ મિશનની યોજના પ્રમાણે બધા જ વર્ગોના પ્રતિનિધિત્વવાળી એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. તેની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી અને ડૉ. સચ્ચિદાનંદ સિન્હાને તેના કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા. તે પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદને તેના કાયમી પ્રમુખ બનાવાયા હતા. ડૉ. ભીમરાવ આંબેડકરના પ્રમુખપદે એક ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી આ સમિતિના સભ્ય હતા. 1949માં બંધારણ સભામાં હિન્દીનો સત્તાવાર ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ થયું અને  26 જાન્યુઆરી, 1950થી તેનો અમલ શરૂ થયો.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ :-
26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવતાં ગવર્નર જનરલનો  હોદ્દો રદ કરવામાં આવ્યો અને તેના સ્થાને રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો શરૂ કરવામાં આવ્યો. ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમનો જન્મ 1884માં બિહારમાં થયો હતો. તેમણે બંગભંગની ચળવળમાં ભાગ લઈ બિહાર વિદ્યાર્થી કોંગ્રેસની સ્થાપના કરી હતી. ચંપારણના સત્યાગ્રહથી તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને વકીલાત છોડી દેશસેવામાં લાગી ગયા. 1946માં નહેરુ પ્રધાનમંડળમાં તેઓ કૃષિમંત્રી હતા.

પ્રથમ લોકસભા:-
25 ઑક્ટોબર, 1951 થી 21 ફેબ્રુઆરી, 1952 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાઓની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. પ્રથમ લોકસભાની બેઠક 13 મે, 1952ના રોજ મળી. આ સમયે કુલ 497 બેઠકો હતી. કોંગ્રેસને 364 બેઠકો મળી અને નહેરુ વડાપ્રધાન બન્યા. અમદાવાદના શ્રી ગણેશ વાસુદેવ માવળંકર પ્રથમ સ્પીકર હતા. તેઓ દાદાસાહેબ તરીકે જાણીતા હતા. 1956માં તેમના અવસાન બાદ શ્રી અનંત શયનમ આયંગર લોકસભાના અધ્યક્ષ બન્યા હતા.

ભાષાવાર પ્રાંતરચના :-
સ્વાતંત્ર્ય મળતાં જ શ્રી એચ. કે. ધારના પ્રમુખપદે એક ભાષાવાર પ્રાંત કમિશન નીમવામાં આવ્યું. કોંગ્રેસે પણ આવું જ એક કમીશન તેના જયપુર અધિવેશનમાં નીમ્યું હતું. એ કમિશનના કુલ ત્રણ સભ્યો હતા. 1. જવાહરલાલ નહેરુ, 2. વલ્લભભાઈ પટેલ અને 3. ડૉ. પટ્ટાભી સીતારામૈયા. આ ત્રણેયના નામ પરથી તે જે.વી.પી. કમિશનના નામે ઓળખાતું હતું. બંને કમિશનોએ ભાષાકીય ધોરણે પ્રાંતોની રચના થાય તે સિદ્ધાંતને સ્વીકાર્યો હતો.  
ઈ.સ. 1952માં આંધ્રમાં તેલુગુભાષી રાજ્યની રચના માટે પોટ્ટી શ્રી રામુલ્લુએ આમરણ ઉપવાસ કર્યા. 56 દિવસના ઉપવાસના પરિણામે તેમનું મૃત્યુ થયું. આથી સમગ્ર આંધ્રમાં ભારે તોફાનો થયાં અને અંતે આંધ્રને અલગ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું.
આંધ્ર અલગ બનતાં બીજાં રાજ્યોમાં પણ ભાષાવાર રાજ્યની રચનાની માંગણી થઈ. આથી 1953માં ભારત સરકારે રાજ્ય પુનર્રચના કમિશનની નિમણૂંક કરી. ન્યાયમૂર્તિ શ્રી ફઝલઅલી, પંડિત હૃદયનાથ કુંજરૂ અને સરદાર પાણીકર તેના ત્રણ સભ્યો હતા. આ પંચે 16 ઘટક રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો રચવાની ભલામણ કરી. જો કે સમયને અનુરૂપ ઊભા થયેલા સંજોગોના આધારે પાછળથી આ કમિશનની ભલામણોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા અને એ મુજબ 1956માં ધારો પસાર કરવામાં આવ્યો. આ ધારો રાજ્ય પુનર્રચના ધારો કહેવાયો. આ ધારા મુજબ બંધારણમાં સાતમો સુધારો કરવામાં આવ્યો અને જૂનાં ’, ’, અને પ્રકારનાં રાજ્યો રદ કરવામાં આવ્યાં અને તેના સ્થાને ઘટક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવું વર્ગીકરણ કરવામાં આવ્યું.
આ ઘટક રાજ્યો નીચે મુજબ હતાં.

આંધ્ર
કેરળ
મદ્રાસ
અસમ
જમ્મુ-કશ્મીર
મધ્યપ્રદેશ
ઓરિસ્સા
પશ્ચિમ બંગાળા
મુંબઈ
ઉત્તરપ્રદેશ
પંજાબ
રાજસ્થાન
કર્ણાટક
બિહાર



બીજી લોકસભા :-
એપ્રિલ, 1957માં બીજી લોકસભા માટેની ચૂંટણીઓ યોજાઈ. આ વખતે પણ કુલ 494 બેઠકોમાંથી 371 બેઠકો કોંગ્રેસે મેળવી અને નહેરુ વડાપ્રધાન બન્યા. બીજી લોકસભાના અધ્યક્ષ અનંત શયનમ આયંગર હતા. 1957ની સામાન્ય ચૂંટણીઓ સમયે ભારતમાં કુલ 17 રાજ્યો હતાં.

કેરળની સામ્યવાદી સરકાર :-
તેમાં કેરળમાં ચૂંટાયેલી સામ્યવાદી સરકાર એ વિશ્વની લોકો દ્વારા ચૂંટાયેલી પ્રથમ સામ્યવાદી સરકાર હતી. આ સામ્યવાદી પક્ષના નેતા શ્રી ઈ. એમ. એસ. નામ્બુદ્રીપાદે હતા. 1959માં કેરળની આ સામ્યવાદી સરકારને કેન્દ્ર સરકારે કોઈ પણ કારણ વગર ગેરબંધારણીય ગણીને બરતરફ કરી હતી. દેશમાં લોકશાહી રીતે ચૂંટાયેલી કોઈ રાજ્ય સરકારને બરતરફ કરવાની પણ આ પહેલી ઘટના હતી.

સ્વતંત્ર પક્ષની સ્થાપના :-
સરકારે જમીન માલિકીની ટોચમર્યાદા બાંધવાના પ્રયાસો કર્યા હતા. એનો વિરોધ કરવા 1959માં સ્વતંત્ર પક્ષ નામે એક નવા પક્ષની રચના કરવામાં આવી. એના સ્થાપકોમાં શ્રી રાજગોપાલાચારી, પ્રો. એન. જી. રંગા, શ્રી મીનુ મસાણી, શ્રી કનૈયાલાલ મુનશી વગેરે હતા. મુક્ત ખેતી, મુક્ત વેપાર અને મુક્ત સાહસ એ સ્વતંત્ર પક્ષે આ દેશને આપેલાં મુખ્ય સૂત્રો છે. આ પક્ષની સ્થાપના કોંગ્રેસના સમાજવાદી ઢબની સમાજરચનાના વિરોધરૂપે થઈ હતી. આથી કેટલાક તેને શ્રીમંતોની તરફદારી કરનારો પક્ષ પણ કહેતા હતા. જવાહરલાલ નહેરુ તેને મધ્યયુગીન જમીનદારો અને સામંતોનો પક્ષ કહેતા હતા. પક્ષનું સ્વરૂપ ગમે તે હોય, પરંતુ ચોથી સામાન્ય ચૂંટણીઓમાં તો તે દેશનો સૌથી મોટો વિરોધપક્ષ પુરવાર થયો હતો.
નહેરુએ ચીન સાથે પંચશીલના કરાર કર્યા હતા.

બિનજોડાણવાદી જૂથ :-
એ વખતે સામ્યવાદી અને મૂડીવાદી દેશોનાં બે જૂથ રચાયાં હતાં. ભારત આમાંથી એક પણ જૂથમાં જોડાયું ન હતું. આ નીતિને બિનજોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. નહેરુ આ નીતિના હિમાયતી બન્યા હતા. એમાં ઈજિપ્તના રાષ્ટ્રપ્રમુખ નાસર, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સુકર્ણો તથા યુગોસ્લાવિયાના રાષ્ટ્રપ્રમુખ માર્શલ ટીટો મુખ્ય હતા. આ પછી એશિયા અને આફ્રિકાના સ્વતંત્ર બનેલાં 29 જેટલાં રાષ્ટ્રોનાં પ્રતિનિધિઓનું એક સંમેલન ઈન્ડોનેશિયાના બાન્ડુંગ શહેરમાં મળ્યું. આ સંમેલનમાં ઈન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો ઉદઘાટક અને વડાપ્રધાન શ્રી અલિસાસ મિજોજો અધ્યક્ષ રહ્યા હતા. આ પછી 1961માં યુગોસ્લાવિયાના બેલગ્રેડમાં બિનજોડાણવાદી દેશોની પ્રથમ શિખર પરિષદ યોજાઈ. તેમાં બિનજોડાણવાદી સંગઠનની સ્થાપના કરવામાં આવી. આરંભમાં આ સંગઠનમાં 25 જેટલા દેશો જોડાયા. ત્યાર બાદ આ સંખ્યા 114 સુધી પહોંચી હતી.

પંચાયતી રાજ :-
પંચવર્ષીય યોજનાની શરૂઆત 1951થી થઈ. આ યોજના હેઠળ ગ્રામવિકાસ માટે સામુદાયિક વિકાસ કાર્યક્રમની 1952માં શરૂઆત કરવામાં આવી. તે અંતર્ગત 1956માં શ્રી બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ 24 નવેમ્બર, 1957માં પોતાનો અહેવાલ ભારત સરકારને સોંપ્યો. તેની ભલામણ ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ સ્થાપવાની હતી. સ્થાનિક સ્વરાજ્યનો વિષય એ રાજ્યયાદીનો વિષય છે. સૌપ્રથમ 2 ઓક્ટોબર, 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામમાં તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂના હસ્તે પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી.  
15 માર્ચ, 1950ના રોજ આયોજન પંચની રચના કરવામાં આવી. વડાપ્રધાન હોદ્દાની રૂએ તેના અધ્યક્ષ હોય છે.
પ્રથમ પંચવર્ષીય યોજના :-
1951-1956. તેનાં બે મુખ્ય ધ્યેયો હતાં. 1. અનાજની બાબતે ઉત્પાદન વધારીને આત્મનિર્ભર થવું. 2. રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો અને લોકોનું જીવનધોરણ સુધારવું.
બીજી પંચવર્ષીય યોજના :-
1956-1961. તેનાં ધ્યેયોમાં ઉદ્યોગોનો વિકાસ, રોજગારીની તકોનું નિર્માણ અને આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી તથા પાંચ વર્ષના અંતે રાષ્ટ્રીય આવકમાં 25% નો વધારો કરવો એ મુખ્ય હતાં.
ભૂદાન યજ્ઞ :-
તેના પ્રણેતા શ્રી વિનોબા ભાવે હતા. તેમનો જન્મ 1895માં મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના ગાગોદા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગાંધીજીએ શરૂ કરેલ વ્યક્તિગત સત્યાગ્રહ(1940)ના તેઓ પ્રથમ સત્યાગ્રહી હતા. તેમણે 1951માં ભૂદાન ચળવળ ઉપાડી હતી. સૌપ્રથમ તેઓ આંધ્રપ્રદેશના પોચમપલ્લી ગામે ગયા હતા. આ ચળવળમાં તેમને જયપ્રકાશ નારાયણ તથા દાદા ધર્માધિકારી જેવા લોકનેતાઓનો પણ સહયોગ મળ્યો હતો. ગુજરાતમાં તેમને રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ દવે અને શ્રી બબલભાઈ મહેતાનો સહકાર મળ્યો હતો. તેમણે ગીતા પ્રવચનો નામે પુસ્તક પણ લખ્યું છે.  
1953માં કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી.
શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત 1953માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાનાં પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં હતાં.  

વિવિધ કાયદાઓનું ઘડતર :-
અસ્પૃશ્યતા નિવારણ અર્થે ભારત સરકારે 1955માં નાગરિક અધિકાર અધિનયમ ઘડ્યો હતો.
1954માં સરકારે ધ સ્પેશ્યલ મેરેજ એક્ટ પસાર કર્યો. લગ્ન માટે સ્ત્રીની વય 18 વર્ષ અને પુરૂષની ઉમર 21 વર્ષની કરવામાં આવી. 1955માં હિંદુ મેરેજ એક્ટ પસાર કરવામાં આવ્યો. તે મુજબ બહુપત્નિ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સ્ત્રીઓને લગ્ન પછી છૂટાછેડા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો. 1956માં હિંદુ વારસા ધારો પસાર થયો, જેના કારણે પુત્રીને પણ પિતાની મિલકતમાં હકદાર ગણવામાં આવી.

આરોગ્ય ક્ષેત્રે :-
1951થી બી.સી.જી. રસી મૂકવાના કાર્યક્રમનો આરંભ થયો. 1953માં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. 1955માં રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
1952થી કુટુંબ કલ્યાણ યોજનાને રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો. ત્યાર બાદ આ યોજના હેઠળ રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.
શિક્ષણ, સાહિત્ય અને કલા :-
1952માં મુદ્દાલિયર માધ્યમિક શિક્ષણ પંચની રચના કરવામાં આવી. 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની રચના કરવામાં આવી.
1954માં નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીની રચના કરવામાં આવી. આ સંસ્થા દ્વારા 1955થી દર વર્ષે ભારતીય ભાષાઓની ઉત્તમ કૃતિઓ પસંદ કરી તેના સર્જકોને એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવે છે.
1953માં  નવી દિલ્હી ખાતે સંગીત-નાટક અકાદમીની સ્થાપના કરવામાં આવી. આ અકાદમી દ્વારા નવી દિલ્હી ખાતે 1959માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સ્થાપના કરવામાં આવી.
1955માં સત્યજીત રેના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ પાંથેર પાંચાલી આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી બની હતી. 1959માં ગુરુદત્ત નિર્દેશિત કાગઝ કે ફૂલ નામે ફિલ્મ ભારતની પ્રથમ સિનેમાસ્કોપ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી.
1954માં નવી દિલ્હી ખાતે લલિતકલા અકાદમીની સ્થાપના કરવામાં આવી.

મનોરંજન અને સંચાર માધ્યમો :-  
રેડિયો પ્રસારણ સેવા આપણા દેશમાં 1927થી ખાનગી ધોરણે શરૂ થઈ હતી. તે પછી 1930માં અંગ્રેજ સરકારે ઈન્ડીયન બ્રોડકાસ્ટીંગ સર્વિસના નામે પ્રસારણ શરૂ કર્યું. 1936માં તેને ઓલ ઈન્ડીયા રેડિયો નામ આપવામાં આવ્યું. 1957માં તેને આકાશવાણી નામ આપવામાં આવ્યું.
સપ્ટેમ્બર, 1959થી આપણા દેશમાં દૂરદર્શન કાર્યક્રમોનો દિલ્હીથી આરંભ કરવામાં આવ્યો. આ સમયે એનું પ્રસારણ અઠવાડિયામાં ત્રણ દિવસનું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી :-
આ ક્ષેત્રે જોઈએ તો ત્રિભુવનદાસ ગજ્જર(રસાયણશાસ્ત્રી - ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા), શ્રી જગદીશ ચંદ્ર બોઝ (વનસ્પતિશાસ્ત્રી), સત્યેન્દ્રનાથ બોઝ (ભૌતિકશાસ્ત્ર -  આઈન્સ્ટાઈન સાથે કામ કરીને જગતને બોઝ-આઈન્સ્ટાઈન સિદ્ધાંતની ભેટ આપનાર), રામાનુજન (ગણિતજ્ઞોના ગણિતજ્ઞ), પ્રફુલ્લચંદ્ર રોય (મહાન રસાયણશાસ્ત્રી - પુસ્તક – હિસ્ટ્રી ઓફ હિંદુ કેમિસ્ટ્રી), મેઘનાદ સહા (ભૌતિકશાસ્ત્રી - બેંગ્લોર ખાતે રામન રિસર્ચ ઈન્સ્ટીટ્યુટની સ્થાપના કરનાર), ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર(આઝાદી પહેલાં Council of Scientific and Industrial Research - CSIRના નિયામક હતા) વગેરે મુખ્ય હતા.
1948માં અણુશક્તિ પંચની સ્થાપના કરવામાં આવી. ડૉ. હોમી ભાભા તેના પ્રમુખ હતા. અપ્સરા નામે પ્રથમ અણુભઠ્ઠી શરૂ કરવામાં આવી. તેમાં રાજા રામન્નાનો વિશેષ ફાળો હતો.

નિધન :-
15 ડિસેમ્બર, 1950માં સરદાર પટેલનું નિધન થયું.
6 ડિસેમ્બર, 1956ના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરનું નિધન થયું.
1958માં દેશના પ્રથમ શિક્ષણપ્રધાન શ્રી મૌલાના અબુલ કલામ આઝાદનું અવસાન થયું. આઝાદ એ તેમનું ઉપનામ હતું. આ ઉપનામ સાથે તેમણે બંગભંગની લડતમાં ભાગ લીધો હતો. તેમનો જન્મ દિવસ 11 સપ્ટેમ્બર દેશમાં શિક્ષણદિન તરીકે ઉજવવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપનામાં તેમનો ફાળો મહત્વનો છે. ‘India Wins freedom’ એ તેમનું જાણીતું પુસ્તક છે.

અન્ય મહત્વની બાબતો :-
1951માં દિલ્હીમાં પ્રથમવાર એશિયાડ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
1953માં ભારતના તેનસિંગ નોરગેએ ન્યુઝીલેન્ડના એડમન્ડ હિલેરી સાથે માઉન્ટ એવરેસ્ટનું સફળ આરોહણ કર્યું.
1957માં શક સંવત પર આધારિત પંચાંગને આપણું રાષ્ટ્રીય પંચાંગ જાહેર કરવામાં આવ્યું. તે મુજબ ચૈત્ર માસ વર્ષનો પ્રથમ માસ ગણાય છે.
14 નવેમ્બરના દિવસને 1957થી બાલદિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ નહેરુનો જન્મ દિવસ છે.
ભારત સરકારે 1961માં દહેજ પ્રતિબંધક ધારો પસાર કર્યો.

ભારત-ચીન યુદ્ધ :- (1962)
1954માં ભારત સરકારે ચીન સાથે પંચશીલના કરાર કર્યા હતા. આ કરારથી ભારતે તિબ્બતનો ચીનના એક ભાગ તરીકે સ્વીકાર કર્યો હતો. બીજે પક્ષે ચીને દલાઈ લામાનો તિબ્બતના વડા તરીકે સ્વીકાર કર્યો હતો. 1957માં ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈએ ભારતની મુલાકાત લીધી ત્યારે હિંદી-ચીની ભાઇભાઈનું સૂત્ર ગૂંજતું થયું હતું. તેમ છતાં ચીને વર્ષોથી માન્ય મેકમોહન રેખા ઓળંગીને ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરીનો આરંભ કર્યો હતો. આથી ઓક્ટોબર, 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. તેમાં ભારતની હાર થઈ. નવેમ્બર, 1962માં ચીને એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કરતાં યુદ્ધનો અંત આવ્યો.
રાષ્ટ્રપ્રમુખ શ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન :-  
1962માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888માં થયો હતો. તેઓ ઓક્સફર્ડના વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય પ્રોફેસર હતા. 1931 થી 1938 દરમ્યાન તેઓ બનારસ હિંદુ યુનિ.ના ઉપકુલપતિ પદે હતા. યુનેસ્કોના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમણે ધ હિન્દુ ન્યૂ ઓફ લાઈફ’, ધ રીલીજિયન વી નીડ અને ગૌતમ- ધ બુદ્ધ જેવાં પુસ્તકો લખ્યાં છે. 1954માં ભારત સરકાર દ્વારા તેમને ભારતરત્નથી સન્માનવામાં આવ્યા છે.

વિલીનીકરણની પ્રક્રિયાનું અંતિમ ચરણ :-
આપણા દેશમાં વેપાર અર્થે આવેલી યુરોપિય પ્રજાઓમાં સૌથી પહેલી ફિરંગી પ્રજા હતી. તેમનાં મથકોમાં દાદરા-નગરહવેલી, દીવ, દમણ અને ગોવા મુખ્ય હતાં. આઝાદી પછી પણ આ પ્રદેશો ઉપર પોર્ટુગલની સરકારનું વર્ચસ્વ હતું. આ સામે સૌપ્રથમ દાદરા અને નગરહવેલી વિસ્તારની પ્રજાએ બળવો કર્યો. 1961માં બંધારણમાં દસમો સુધારો કરીને દાદરા અને નગરહવેલીને ભારતસંઘમાં જોડવામાં આવ્યું. 1961માં ગોવામાં મુક્તિ આંદોલને જોર પકડ્યું. અંતે સરકારે લશ્કરી પગલું લેતાં ડિસેમ્બર, 1961માં ગોવા સહિત દીવ અને દમણ પણ ફીરંગી શાસનમાંથી મુક્ત થયાં. 1962માં બંધારણમાં બારમા બંધારણીય સુધારા દ્વારા આ પ્રદેશોને પણ પરિશિષ્ટ -1માં સ્થાન આપવામાં આવ્યું. ફ્રેન્ચ મથક પાંડિચેરી 1962માં ફ્રાન્સની સરકારે સ્વેચ્છાએ ભારતને સોંપી દીધું અને ભારતના પ્રદેશોની ભારતસંઘમાં વિલિનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ.

ત્રીજી લોકસભા :-
ફેબ્રુઆરી, 1962માં દેશમાં ત્રીજી સામાન્ય ચૂંટણીઓનું આયોજન થયું. કુલ 494 બેઠકોમાંથી કોંગ્રેસને 361 બેઠકો મળતાં નહેરુ પુન: પ્રધાનમંત્રી બન્યા. 16 એપ્રિલ, 1962ના રોજ શ્રી હુકમસિંહ લોકસભાના અધ્યક્ષ બન્યા.

કામરાજ યોજના :-
આ યોજનાના પ્રણેતા શ્રી કુમારસ્વામી કામરાજ નાદર હતા. તેઓ 1954 થી 1963 દરમ્યાન તમિલનાડુના મુખ્યપ્રધાન હતા. તેમણે તૈયાર કરેલી યોજના મુજબ કોંગ્રેસના અનુભવી, શક્તિશાળી અને આદરણીય અગ્રણીઓએ વહીવટી કાર્ય છોડીને પક્ષને મજબૂત બનાવવાના કામમાં લાગી જવાનું હતું. કોંગ્રેસે 1963માં આ યોજનાનો સ્વીકાર કર્યો. આ યોજનાની અસર હેઠળ શ્રી મોરારજી દેસાઈ, શ્રી એસ. કે. પાટીલ, શ્રી બાબુ જગજીવનરામ, શ્રી ગોપાલ રેડ્ડી, શ્રી કે. એલ. શ્રીમાળી અને લાલ બહાદુરશાસ્ત્રી જેવા પીઢ રાજકારણીઓએ પોતાના હોદ્દાનાં રાજીનામાં આપવાની ફરજ પડી હતી. આ યોજનાથી જાણીતા થયેલા શ્રી નાદર 1964માં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી શ્રીમતી ઈન્દિરા ગાંધી દેશનાં વડાપ્રધાન બન્યાં, તેમાં શ્રી કામરાજે અગત્યનો ભાગ ભજવ્યો હતો.

નાગાલેન્ડની રચના :-
ભારતના ઉત્તર-પૂર્વ છેડે નાગ જાતિના લોકોનો પહાડી પ્રદેશ આવેલો છે. અહીં નાગલોકોની 14 જાતિઓ છે. દરેકને તેની અલગ અલગ બોલી છે. આ પ્રદેશ અંગ્રેજ શાસન નીચે આવ્યા પછી પણ આ લોકો પોતાને સ્વતંત્ર માનતા રહ્યા અને તે માટે ઝુંબેશ ચલાવતા રહ્યા. અંગ્રેજોની અસર નીચે તેઓ અંગ્રેજી ભાષા શીખ્યા હતા. તે સાથે તેમાંના ઘણા આજે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે. ભારતને આઝાદી મળી ત્યાર બાદ અહીંના નેતાઓએ સ્વતંત્ર રાજ્યની માંગણી કરી. બીજી બાજુ ભૂગર્ભ નાગ બળવાખોરો દ્વારા અવારનવાર સશસ્ત્ર બળવા પણ થતા રહ્યા. છેવટે આ પ્રદેશમાં શાંતિ સ્થાપવા ભારત સરકારે 1963માં સ્વતંત્ર ઘટક-રાજ્યની રચના કરી. જે ભારતના 17મા રાજ્ય અને નાગાલેન્ડ તરીકે ઓળખાયું.

નિધન :-
27 મે, 1964ના રોજ જવાહરલાલ નહેરુનું અવસાન થયું. તેમનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલાહાબાદમાં થયો હતો. તેઓ કાશ્મીરી પંડિતનો વારસો ધરાવતા હતા. તેમના પિતા મોતીલાલ નહેરુ અલાહાબાદના અગ્રણી વકીલ હતા. જવાહરલાલ નહેરુએ ઈંગ્લેન્ડથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી. તેમના નેતૃત્વ હેઠળ દેશમાં પંચવર્ષીય યોજનાઓનો આરંભ થયો હતો. તેમણે વિશ્વને પંચશીલના સિદ્ધાંતો અને બિનજોડાણવાદની નીતિની ભેટ આપી હતી. તેમણે ‘Discovery of India’ & ‘Glimpses of World History’ નામે બે પુસ્તકો પણ લખ્યાં છે. આ બંને પુસ્તકોનો મારું હિંદનું દર્શન અને જગતના ઈતિહાસનું રેખાદર્શન નામે અનુવાદો પ્રસિદ્ધ થયેલા છે.

વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી :-
જવાહરલાલ નહેરુનું અવસાન થતાં શ્રી ગુલઝારીલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. શ્રી કામરાજે રાજ્યના આગેવાનો પાસેથી નામો મંગાવતાં બે નામો મળ્યાં હતાં. લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ. અંતે ચર્ચાવિચારણા બાદ શ્રી કામરાજે લાલ બહાદુર શાસ્ત્રીની પસંદગી કરતાં તેઓ વડાપ્રધાન બન્યા. તેમનો જન્મ 1904માં વારાણસીના એક ગરીબ કુટુંબમાં થયો હતો. 9 જૂન, 1964થી તેમણે વડાપ્રધાન તરીકે કામગીરી સંભાળી હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધ :- (1965)
પાકિસ્તાને જાન્યુઆરી, 1965માં કચ્છ સરહદે ડિંગ સુરાઈ અને કંજરકોટ વગેરે ક્ષેત્રો પર હુમલા શરૂ કર્યા. ભારતે તેનો વળતો જવાબ આપતાં તેને સૈન્યો પાછાં હટાવવાની ફરજ પડી. ત્યારબાદ તેણે કાશ્મીર પર હુમલા શરૂ કર્યા. સપ્ટેમ્બર, 1965માં બંને દેશો વચ્ચે ભયંકર જંગ ખેલાયો. આ યુદ્ધમાં ખેમકરણ ક્ષેત્રનું યુદ્ધ ખૂબ જાણીતું બન્યું. આ યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો.
તાશ્કંદ કરાર :-
રશિયાના વડાપ્રધાન એલેક્સી કોસીજીનના પ્રયાસોથી ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રી અયુબખાન વચ્ચે ઉજબેકિસ્તાનના પાટનગર તાશ્કંદ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી (જાન્યુઆરી, 1966). આ બેઠકમાં બંને વચ્ચે જે કરાર થયા તે તાશ્કંદ કરારના નામે ઓળખાય છે. 10 જાન્યુઆરી, 1966ના રોજ બંને દેશના વડાઓએ કરાર પર સહી કરી. 11 જાન્યુઆરી, 1966ના રોજ વહેલી સવારે શાસ્ત્રીજીનું શંકાસ્પદ રીતે અવસાન થયું.

વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી :- (24 જાન્યુઆરી, 1964)
શાસ્ત્રીજીનું આકસ્મિક રીતે અવસાન થતાં મોરારજી દેસાઈએ આ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી. પરંતુ બીજી બાજુ કોંગ્રેસમાંથી જ તેમનો વિરોધ થયો. આ વખતે સર્વસંમતિ સાધવા માટે ફરીથી એકવાર કામરાજ નાદરને સત્તા આપવામાં આવી. તેમણે શ્રીમતી ઈન્દીરા ગાંધીની વડાપ્રધાન તરીકે પસંદગી કરી. પરંતુ મોરારજી દેસાઈ મક્કમ રહેતાં છેવટે પહેલી વાર કોંગ્રેસમાં વડાપ્રધાન પદ માટે ચૂંટણી કરવામાં આવી. એમાં શ્રીમતી ઈન્દીરા ગાંધીને બહુમતી મળતાં તેઓ વડાપ્રધાન બન્યાં(24 જાન્યુઆરી, 1966). તેમનો જન્મ 19 નવેમ્બર, 1917ના રોજ અલ્હાબાદમાં આનંદભવન ખાતે થયો હતો. ઈ.સ. 1942માં તેમણે શ્રી ફિરોઝ ગાંધી નામના પારસી ગુજરાતી યુવાન સાથે લગ્ન કર્યાં. તેમણે 1942ની હિંદ છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. 1964માં તેઓ માહિતી અને પ્રસારણ ખાતાનાં પ્રધાન હતાં.

ચોથી લોકસભા :-
ફેબ્રુઆરી 1967માં સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચોથી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. આ સમયે દેશમાં 17 રાજ્યો અને 10 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. લોકસભાની કુલ 499 બેઠકોમાંથી 281 બેઠકો કોંગ્રેસને મળતાં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. સ્વતંત્ર પક્ષને આ ચૂંટણીઓમાં 42 બેઠકો મળતાં સૌથી મોટા વિરોધ પક્ષ તરીકે બહાર આવ્યો. લોકસભાના અધ્યક્ષ તરીકે શ્રી નીલમ સંજીવ રેડ્ડી હતા. પરંતુ 1969થી ડૉ. ગુરુદયાલસિંહ ધિલોન અધ્યક્ષ બન્યા હતા. ચોથી લોકસભા તેની મુદતનાં પાંચ વર્ષ પૂર્ણ કરી શકી નહીં. 27 ડિસેમ્બર, 1970ના રોજ તેનું વિસર્જન કરવામાં આવ્યું અને ત્યારબાદ 1971માં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ.

ડૉ. ઝાકીર હુસેન :-
1967માં શ્રીમતી ઈન્દીરા ગાંધીના આગ્રહથી ડૉ. ઝાકીર હુસૈન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમનો જન્મ 1897માં હૈદરાબાદમાં થયો હતો. ત્રીસ વર્ષની વયે તેઓ દિલ્હીની જામિયા-મિલિયા યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા હતા. આ યુનિવર્સિટી પણ 1920ની અસહકારની ચળવળના પરિણામ સ્વરૂપે સ્થપાયેલી રાષ્ટ્રીય યુનિવર્સિટી હતી. 1954માં તેમને પદ્મ વિભૂષણનો એવોર્ડ એનાયત થયો હતો. 1963માં તેમને ભારતરત્નથી સન્માનવામાં આવ્યા હતા. 1957 થી 1962 સુધી તેઓ બિહારના ગવર્નર રહી ચૂક્યા હતા. 1967 સુધી તેઓ ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. 1969માં તેમનું સ્વાસ્થ્ય નબળું પડતાં તેમનું અવસાન થયું.

શ્રી વી. વી. ગિરિ  :-
ડૉ. ઝાકીર હુસેનનું અવસાન થતાં ઉપરાષ્ટ્રપતિ રહેલા  વરાહગિરિ વેંકટગિરિ શરૂઆતમાં કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ બન્યા. ત્યારબાદ 24 ઑગસ્ટ, 1969થી તેઓ ચૂંટાયેલા ચોથા રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમનો જન્મ 1894માં થયો હતો. તેઓ મદ્રાસ હાઈકોર્ટના વકીલ હતા. 1934 થી 1937 દરમ્યાન તેઓ બ્રિટિશ શાસનમાં મધ્યસ્થ ધારાસભાના સભ્ય રહ્યા હતા. પ્રાંતિક સ્વરાજ્ય મળતાં તેઓ મદ્રાસ સરકારના પ્રધાન બન્યા. 1947 થી 1950 દરમ્યાન તેઓ સિલોનના હાઈ કમિશ્નર નીમાયા. તે પછી 1967 થી 1969 સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા. 1975માં તેઓશ્રીને ભારતરત્નના એવોર્ડથી નવાજવામાં આવ્યા.

ત્રીજી પંચવર્ષીય યોજના  (1961-1966) :-
આ યોજનાના ધ્યેયોમાં વાર્ષિક 5%ના દરે રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો, અનાજની બાબતે આત્મનિર્ભરતા, પાયાના ઉદ્યોગોનો વિસ્તાર, આવક અને સંપત્તિની અસમાનતા ઓછી કરવી વગેરે હતા.

v  ત્રણ વાર્ષિક યોજનાઓ (1966-67, 1967-68 અને 1968-69) :-
ત્રીજી યોજનાનાં ધ્યેયો પહેલી બે યોજનાઓ કરતાં વધુ ઊંચાં હતાં. વળી આ યોજના દરમ્યાન સતત ત્રણ વર્ષ સુધી દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત 1962માં ચીન સાથે અને 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. આથી ત્રીજી યોજનાનાં લક્ષ્યો પાર પાડી શકાયાં નહીં. આથી આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે 1966-67, 1967-68 અને 1969-70ની એમ ત્રણ વાર્ષિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી.

બેન્કોનું રાષ્ટ્રીયકરણ :-
1881માં ઔધ કોમર્શિયલ બેન્કની સ્થાપના થઈ. 1894માં પંજાબ નેશનલ બેન્ક સ્થપાઈ. 1949માં બેન્કીંગ કંપનીઝ એક્ટ પસાર કરવામાં આવ્યો. 1 જાન્યુઆરી, 1949થી સૌપ્રથમ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જો કે આ બેન્કની સ્થાપના મૂળ તો રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા એક્ટ, 1934 મુજબ 1 એપ્રિલ, 1935ના રોજ થઈ હતી. તે એક રૂપિયા સિવાયની અન્ય ચલણી નોટો પ્રસિદ્ધ કરે છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં તે ભારત સરકારના સભ્ય તરીકેની જવાબદારી સંભાળે છે. ભારત સરકારે 1969માં 14 મોટી બેન્કો પોતાને હસ્તક લઈ લીધી અને તે સરકારી માલિકીની બની ગઈ. આમ 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

આરોગ્ય ક્ષેત્ર :-
1962માં રાષ્ટ્રીય શીતળા નાબૂદી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.
કુટુંબ કલ્યાણ યોજના હેઠળ કુટુંબ નિયોજનના કાર્યક્રમોને વ્યાપક બનાવવામાં આવ્યા. 1966માં કેન્દ્ર કક્ષાએ કુટુંબ નિયોજનનું સંપૂર્ણ કક્ષાનું ખાતું શરૂ કરવામાં આવ્યું.
1968માં ડૉ. હરગોવિંદ ખુરાનાને મેડિસીનના ક્ષેત્રે નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો.


શિક્ષણ, સાહિત્ય અને કલા :-
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ :-
1961માં કેન્દ્ર કક્ષાએ નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના નામે સંસ્થાની સ્થાપના કરવામાં આવી. 1964માં એક રાષ્ટ્રીય શિક્ષણ પંચની સ્થાપના કરવામાં આવી. આ પંચના અધ્યક્ષ ડૉ. ડી. એસ. કોઠારી હતા. આથી તે પંચ કોઠારી પંચના નામે પ્રસિદ્ધ થયું. પંચે તેનો અહેવાલ 1966માં સરકારને સુપ્રત કર્યો. એની ભલામણોને આધારે ભારત સરકારે 1968માં રાષ્ટ્રીય શિક્ષણની નીતિ ઘડી કાઢી. આ નવી શિક્ષણ નીતિમાં શૈક્ષણિક ધોરણોની જાળવણી ઉપરાંત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણ અને પ્રૌઢશિક્ષણ અભિયાન ચલાવવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ નવી શિક્ષણ નીતિમાં દૂરવર્તી શિક્ષણને પણ સ્થાન આપવામાં આવ્યું.
1967માં ઉમાશંકર જોષીને તેમની કૃતિ નિશીથ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
1964માં નેશનલ ફિલ્મ આર્કાઈવ્ઝની સ્થાપના થઈ.

મનોરંજન અને સંચાર ક્ષેત્રે:-
1959માં દિલ્હીથી પ્રાયોગિક ધોરણે સપ્તાહના ત્રણ દિવસ માટે શરૂ થયેલ દૂરદર્શનના કાર્યક્રમો હવે નિયમિત પ્રસારીત કરવાની શરૂઆત થઈ.  
દેશમાં સૌપ્રથમ STD સેવા નવેમ્બર, 1960માં કાનપુર અને લખનૌ વચ્ચે શરૂ થઈ.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે :-
1957માં ટ્રોમ્બે ખાતે એટોમિક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ નામે સંસ્થાની સ્થાપના કરવામં આવી. એના દ્વારા 1960માં 40 મેગાવોટ વીજળી પેદા કરવાની શક્તિ ધરાવતી સાયરસ નામે બીજી અણુભઠ્ઠી કાર્યરત થઈ.

નિધન :-
ડૉ. હોમી ભાભા :-
1966માં હોમી ભાભાનું અવસાન થયું. તેમની સ્મૃતિને કાયમી રાખવા એટોમિક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટને ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર નામ આપવામાં આવ્યું. ડૉ. ભાભાના અવસાન બાદ અણુશક્તિ પંચના અધ્યક્ષનું સ્થાન ડૉ. વિક્રમ સારાભાઈને મળ્યું. 1962માં વિક્રમ સારાભાઈને ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો.
શ્રી ગોવિંદવલ્લભ પંત :-
 શ્રી ગોવિંદ વલ્લભપંત આ દેશના પીઢ સ્વાતંત્ર્ય સેનાની હતા. ભારત સ્વતંત્ર થયા બાદ તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ નહેરુના પ્રધાનમંડળમાં ગૃહમંત્રી હતા. 1957માં ભારત સરકારે તેમને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 1961માં તેમનું નિધન થયું.
શ્રી ધોન્ડો કેશવ કર્વે :-
1858માં જન્મેલ કર્વે સ્ત્રી કેળવણીના ભારે હિમાયતી હતા. તેમણે મુંબઈમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 1958માં તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા. 1962માં તેમનું અવસાન થયું.

પંજાબ અને હરિયાણાની રચના :- (1966)
1947માં ભારતના વિભાજન વખતે પંજાબનું વિભાજન કરવામાં આવ્યું. ત્યારબાદ 1956ના રાજ્ય પુનર્રચના કાયદા હેઠળ આ પ્રદેશના પેપ્સુ (પતિયાલા અને પૂર્વ પંજાબનાં રાજ્યોનો સંઘ Patiala & the East Punjab states Union) નામે રાજ્યનું વિલીનીકરણ કરી નવું પંજાબ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ત્યારબાદ 1 નવેમ્બર, 1966માં તેનું વિભાજન કરી પંજાબ અને હરિયાણા એ બે ઘટક રાજ્યોની રચના કરવામાં આવી અને ચંદીગઢને કેન્દ્રશાસિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો.

સાલિયાણાં નાબૂદી (1970) :-
આઝાદી મળતાં દેશી રાજ્યો ભારત સંઘ સાથે ભળી ગયાં હતાં. પરંતુ તે સામે ભારત સરકારે બદલામાં દેશી રાજ્યોને દરેક વર્ષે અમુક નક્કી કરેલી રકમ આપવી પડતી. તેને સાલિયાણું કહેતા. સામાન્ય રીતે સાલિયાણા પેટે કોઈને પણ રૂ. 10 લાખથી વધુ રકમ ન મળે તેવું ધોરણ હતું. આમ છતાં કોઈ કોઈ રાજ્યોને તેથી પણ વધુ રકમ અપાતી હતી. આ સામે ભારતની સંસદમાં વિરોધ થયો. પરિણામે 1970માં સંસદમાં ખરડો પસાર કરીને સાલિયાણાં નાબૂદ કરવામાં આવ્યાં.

મધ્યસત્ર ચૂંટણીઓ અને પાંચમી લોકસભા:-
ચોથી સામાન્ય ચૂંટણીઓ(1967) પછી શ્રીમતી ઈન્દિરા ગાંધી અને સિન્ડીકેટના નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદો ઉભા થયા હતા. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં શ્રી વી. વી. ગિરિનો વિજય સિન્ડીકેટી નેતાઓની ઈચ્છા વિરુદ્ધનો હતો. આથી કોંગ્રેસ પક્ષના સ્પષ્ટ રીતે સિન્ડીકેટ અને ઈન્ડીકેટ(શ્રીમતી ઈન્દિરા ગાંધી તરફી) એમ બે ભાગ પડી ગયા હતા. આ ચૂંટણીઓ લોકસભાની મુદત પૂર્ણ થાય તે પહેલાં યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીનો પક્ષ કોંગ્રેસ(આઈ) તરીકે ઓળખાયો, જ્યારે અલગ પડેલ સિન્ડીકેટી કોંગ્રેસીઓનો પક્ષ કોંગ્રેસ(એસ) તરીકે ઓળખાયો. આ વખતે ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું. ઠેરઠેર ઈન્દિરા ગાંધી આઈ હે, નઈ રોશની લાઈ હે નું સૂત્ર પણ લોકપ્રિય થયું હતું. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ(આઈ)ને લોકસભાની કૂલ 518 બેઠકોમાંથી 352 બેઠકો પ્રાપ્ત થઈ. કોંગ્રેસ (એસ) પક્ષને માત્ર 16 બેઠકો જ પ્રાપ્ત થઈ. આથી શ્રીમતી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં અને શ્રી ગુરુદયાલસિંહ ધિલોન લોકસભાના અધ્યક્ષ બન્યા.

ભારત-પાકિસ્તાન યુદ્ધ (1971) :-
આ સમયે પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. 1. પૂર્વ પાકિસ્તાન અને 2. પશ્ચિમ પાકિસ્તાન. આ બંને પ્રદેશોની એક રાષ્ટ્રીય સરકાર પશ્ચિમ પાકિસ્તાનમાં હતી. તેના દ્વારા પૂર્વ પાકિસ્તાનને અન્યાય થતો હતો. એ દૂર કરવા પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજીબુર રહેમાન નામના એક બંગાળી નેતાએ અવામી લીગ નામે પક્ષની સ્થાપના કરી હતી. શેખ મુજીબુરે સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે મુક્તિવાહિની નામે ફોજ રચી હતી. આ સમયે પશ્ચિમ પાકિસ્તાનમાં રાષ્ટ્રપ્રમુખ યાહ્યાખાનનું લશ્કરી શાસન હતું. તેમણે બાંગ્લાદેશની મુક્તિ ચળવળને દબાવી દેવા ભારે દમન કર્યું. આ સંજોગોમાં ભારતે ત્યાંથી આવતા શરણાર્થીઓને આશ્રય આપ્યો અને  મુક્તિ ચળવળને ટેકો જાહેર કર્યો. પરિણામે 3 ડિસેમ્બર, 1971ના રોજ બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ 3 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલ્યું. 14 દિવસના અંતે ભારતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો. ત્યારબાદ એકપક્ષીય યુદ્ધવિરામ જાહેર કરતાં યુદ્ધનો અંત આવ્યો. યુદ્ધના પરિણામે સ્વતંત્ર બાંગ્લાદેશનો જન્મ થયો.

સિમલા કરાર:-
ભારત-પાકિસ્તાન વચ્ચેના ઉપરોક્ત યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો એ બાબતને પાકિસ્તાનની પ્રજા સહન કરી શકી નહીં. આથી જનરલ યાહ્યાખાનના શાસન સામે તોફાનો થયાં. એના કારણે યાહ્યાખાન સત્તા છોડી ગયા અને તેમના સ્થાને શ્રી ઝુલ્ફીકારઅલી ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ 3 જુલાઈ, 1972ના રોજ બંને દેશો વચ્ચે સિમલા મુકામે કરાર થયા, જે સિમલા કરારના નામે ઓળખાય છે. બંને દેશોના લશ્કરો 17 ડિસેમ્બરની જે તે સ્થિતિ પ્રમાણેના સ્થળે પરત લઈ જવા બાબતે સંમતિ સધાઈ.

ચોથી પંચવર્ષીય યોજના (1969-1974) :-
આ વખતે 5.5%નો વાર્ષિક વૃદ્ધિદર જાળવવાનું ધ્યેય હતું. પરંતુ 5% જાળવી શકાયો હતો.

તમિલનાડુમાં ડી.એમ.કે. ની સરકાર :-
ભારત આઝાદ થયું તે સમયે તમિલનાડુ મદ્રાસ પ્રાંતનો એક ભાગ ગણાતું હતું. આ રાજ્યમાં 1947 થી 1967 સુધી કોંગ્રેસનું શાસન હતું. શ્રી કામરાજ નાદર અને ભક્તવત્સલમ જેવા કોંગ્રેસી નેતાઓ તેના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. પરંતુ 1967ની ચૂંટણીઓમાં કોંગ્રેસને પરાજય મળ્યો. તેમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની જીત થઈ. આ પક્ષની સ્થાપના શ્રી ઈ. વી. રામાસ્વામીએ કરી હતી. શ્રી અન્નાદુરાઈ તેના જાણીતા નેતા હતા. મદ્રાસ રાજ્યનું તમિલનાડુ નામ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસન દરમ્યાન 1969માં કરવામાં આવ્યું હતું. 1971માં મધ્યસત્ર ચૂંટણીઓ થતાં શ્રી એમ. કરૂણાનિધિ મુખ્યમંત્રી બન્યા. 1971ની મધ્યસત્ર ચૂંટણીઓમાં શ્રી એમ. જી. રામચંદ્રન નામે તમિલ ફિલ્મોના એક લોકપ્રિય અભિનેતાએ ડી.એમ.કે.ને વિજય અપાવવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. ચૂંટણીઓ પછી મુખ્યમંત્રી શ્રી એમ. કરૂણાનિધિ સાથે તેમને મતભેદ થયા. આથી ડી. એમ.કે.માંથી છૂટા પડી તેમણે ભૂતપૂર્વ નેતા શ્રી અન્નાદુરાઈના નામે અન્ના ડી. એમ. કે. નામના પક્ષની રચના કરી. 1975માં તેમણે ADMK ને બદલે ઓલ ઈન્ડીયા અન્ના ડી. એમ. કે.’ એવું નામ આપ્યું.

ડૉ. ફકરૂદ્દીન અલી અહેમદ :-
1974માં રાષ્ટ્રપ્રમુખ શ્રી વી. વી. ગિરિની મુદત પૂર્ણ થતાં ડૉ. ફકરૂદ્દીન અલી અહેમદ ભારતના પાંચમા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા. તે સાથે જ ઉપરાષ્ટ્રપ્રમુખ શ્રી જી. એસ. પાઠકને સ્થાને શ્રી બી. ડી. જત્તી ઉપરાષ્ટ્રપ્રમુખ બન્યા. શ્રી ફકરૂદ્દીન અસમના જાણીતા વકીલ હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેઓ અસમની વિધાનસભામાં સક્રિય હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા. 1957માં યુ.એન.ની સામાન્ય સભામાં ભારતીય પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે હાજર રહ્યા હતા. 1966 થી 1974 સુધી તેઓ કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્ય હતા.

જયપ્રકાશ નારાયણ:-
તેમણે સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન શરૂ કર્યું હતું. દેશમાં ભાવવધારા અને ભ્રષ્ટાચાર સામે તેમની લડાઈ હતી. આ આંદોલનમાં તેઓ લોકનાયકનું બિરુદ પામ્યા. તેઓ જે.પી. ના હુલામણા નામથી દેશભરમાં ખ્યાતી પામ્યા હતા.

રાષ્ટ્રીય કટોકટી:- (1975)
જૂન, 1975માં અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરતો ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો. વિરોધપક્ષોએ તેનો પૂરો લાભ લીધો. દેશભરમાં અરાજકતાનું વાતાવરણ સર્જાતાં ઈન્દિરા ગાંધીએ આકરો નિર્ણય લીધો અને તેમના કહેવાથી રાષ્ટ્રપ્રમુખે આંતરિક કટોકટી જાહેર કરી. જયપ્રકાશ નારાયણ અને બીજા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. 19 માસ સુધી આ કટોકટીનો અમલ રહ્યો હતો. 25 જૂન, 1975થી આ કટોકટીનો અમલ શરૂ થયો હતો.

નાગરિક હક સંરક્ષણ ધારો :-
1955ના નાગરિક હક સંરક્ષણ ધારા મુજબ અસ્પૃશ્યતાને ગુનો ગણવામાં આવ્યો હતો. આ ધારામાં 1976માં સુધારો કરીને કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી.

વડાપ્રધાન મોરારજી દેસાઈ:-
પાંચમી લોકસભાને ઈન્દિરા ગાંધીએ 1 વર્ષ સુધી વધુ લંબાવી અને તે પછી તેનું 1977ની શરૂઆતમાં વિસર્જન થયું. આ વખતે કેટલાક બિનકોંગ્રેસી નેતાઓ એકઠા થયા અને તેમણે જનતા પક્ષની રચના કરી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને 542માંથી માત્ર 153 બેઠકો જ મળી. શ્રીમતી ઈન્દિરા ગાંધી પોતે પણ રાયબરેલી મતવિસ્તારમાંથી શ્રી રાજનારાયણ સામે હારી ગયાં. જનતાપક્ષને 296 બેઠકો મળી હતી. દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસી સરકાર રચાઈ અને શ્રી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. શ્રી નીલમ સંજીવ રેડ્ડી લોકસભાના અધ્યક્ષ બન્યા. પ્રથમ બેઠક 25 માર્ચ, 1977ના રોજ મળી. મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં 29 ફેબ્રુઆરી, 1896માં થયો હતો. કારકિર્દીનો આરંભ તેમણે બ્રિટિશ સામ્રાજ્યના એક વફાદાર અધિકારી-ડેપ્યુટી કલેક્ટર તરીકે કર્યો હતો. ત્યારબાદ રાજીનામું આપીને તેઓ ગાંધીજીના અનુયાયી બન્યા અને રાષ્ટ્રસેવામાં જોડાયા. 1956માં નહેરુ પ્રધાનમંડળમાં વાણિજ્ય, ઉદ્યોગ અને નાણામંત્રી તરીકેની સફળ સેવાઓ આપી. 1966માં ઈન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં નાયબ વડાપ્રધાન બન્યા હતા. મોરારજી દેસાઈ આચાર્ય કૃપલાણીની સલાહથી વડાપ્રધાન બન્યા હતા. આથી તેમનું વડાપ્રધાન પદ કિસાન નેતા શ્રી ચૌધરી ચરણસિંહ તથા બાબુ જગજીવનરામ જેવા નેતાઓને પસંદ ન હતું. આથી સરકારની રચના પછી અંદરોઅંદરની ખેંચાખેંચ ઝડપી બની હતી. કોંગ્રેસે તેનો પૂરો લાભ લીધો. તેણે ચૌધરી ચરણસિંહને ટેકો આપ્યો. પરિણામે મોરારજી દેસાઈની સરકાર પૂરાં અઢી વર્ષ પણ ટકી શકી નહીં અને 1979માં તેનું પતન થયું.

રાષ્ટ્રપ્રમુખ શ્રી નીલમ સંજીવ રેડ્ડી :-
11 ફેબ્રુઆરી, 1977ના રોજ પાંચમા રાષ્ટ્રપ્રમુખ શ્રી ફકરૂદ્દીન અલી અહેમદનું નિધન થયું. આથી શ્રી બી. ડી. જત્તી કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ બન્યા. તે પછી જુલાઈ, 1977માં નીલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેઓ રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાતાં તેમના સ્થાને શ્રી કે. એસ. હેગડે લોકસભાના અધ્યક્ષ બન્યા. તેમનો જન્મ 19 મે, 1913ના રોજ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે થયો હતો. 1956માં તેઓ આંધ્રના મુખ્યમંત્રી બન્યા હતા.

વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિંહ :-
આઝાદી બાદ તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે ભારતીય લોકદળ નામે પક્ષની રચના કરી હતી. તેઓ મહત્વાકાંક્ષી હોવાના કારણે તેમને કોંગ્રેસ પક્ષે ટેકો આપતાં મોરારજી દેસાઈને આપેલો ટેકો તેમણે પાછો ખેંચી લીધો. આથી 28 જુલાઈ, 1979ના રોજ તેઓ દેશના પાંચમા વડાપ્રધાન બન્યા. પરંતુ તેમણે વડાપ્રધાન પદ પર રહેવા માટે વિશ્વાસ મત જીતવાનો હતો. તેઓ તે જીતે તે પહેલાં જ કોંગ્રેસે તેમને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. પરિણામે રાષ્ટ્રપ્રમુખ શ્રી નીલમ સંજીવ રેડ્ડીએ 22 ઑગસ્ટ, 1979ના રોજ લોકસભાનું વિસર્જન જાહેર કર્યું. આથી ચૌધરી ચરણસિંહ કેવળ રખેવાળ સરકારના વડાપ્રધાન બની રહ્યા(14 જાન્યુઆરી, 1980). તેમનો શાસનકાળ આશરે સાડા પાંચ માસનો રહ્યો.

શ્રી એમ. હિદાયતુલ્લા :-
1979માં શ્રી બી. ડી. જત્તીની ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકેની મુદત પૂર્ણ થઈ હતી. આથી એમ. હિદાયતુલ્લા ભારતના છઠ્ઠા ઉપરાષ્ટ્રપ્રમુખ બન્યા. 1954માં તેઓ નાગપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 1968માં ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 20 જુલાઈ, 1969 થી 24 ઑગસ્ટ, 1969 સુધી તેઓ ભારતના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ પણ રહ્યા હતા.

પાંચમી પંચવર્ષીય યોજના (1974-1979) :-
રોજગારીની તકો વધારવી, બેકારી નાબૂદ કરવી, સમાજ કલ્યાણનો કાર્યક્રમ વ્યાપક બનાવવો અને 5.5% વાર્ષિક રાષ્ટ્રીય વિકાસ દર જાળવવા જેવાં ધ્યેયો રાખવામાં આવ્યાં હતાં. તે સંદર્ભમાં અનાજની બાબતમાં સ્વાવલંબન પ્રાપ્ત થયું અને વાર્ષિક વિકાસ દર 5.2% જાળવી શકાયો હતો.

રોલિંગ પ્લાન :- (1978-1980)
પાંચમી પંચવર્ષીય યોજના એપ્રિલ, 1974 થી માર્ચ, 1978ના ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવી. આ પછી એપ્રિલ, 1978 થી માર્ચ, 1979 તથા એપ્રિલ, 1979 થી માર્ચ, 1980 દરમ્યાન બે વર્ષ સુધી વાર્ષિક યોજનાઓ તૈયાર કરવામાં આવી. તેને રોલિંગ પ્લાન કહેવામાં આવે છે. રોલિંગ પ્લાન ને પાંચમી યોજનાના ભાગરૂપે ઓળખવામાં આવે છે.

માંડલ પંચ :-
બંધારણ પ્રમાણે પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો સમાવેશ થતો હતો. પરંતુ દેશમાં સામાજિક અને આર્થિક દૃષ્ટીએ પાછળ પડી ગયેલા જુદી જુદી જ્ઞાતિના અનેક લોકો હતા. 1953માં ભારત સરકારે કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે અન્ય પછાત વર્ગોમાં કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તે અંગેની યાદી બનાવવા પંચની નિમણૂંક કરી. પરંતુ દેશમાં જ્ઞાતિઓની સંખ્યા પુષ્કળ હોવાથી પંચ એવી જ્ઞાતિઓની યાદી તૈયાર કરી શક્યુ નહીં. આથી એ કામગીરી રાજ્યોને સોંપવામાં આવી. આ પછી આ સંદર્ભમાં ઉત્તરપ્રદેશ અને બિહારમાં અન્ય પછાત વર્ગોની જે યાદી તૈયાર થઈ તેનાથી એ બંને રાજ્યોમાં તોફાનો ફાટી નીકળ્યાં. એવાં તોફાનોને શાંત કરવા તે સમયના વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ ડિસેમ્બર, 1978માં શ્રી બિન્દેશ્વરીપ્રસાદ માંડલના પ્રમુખપદે એક પંચની નિમણૂંક કરી. શ્રી આર. આર. ભોલે, દીવાન મોહનલાલ, દીનબંધુ સાહૂ, કે. સુબ્રમણ્યમ તથા શ્રી એસ.એસ. ગીલ આ પંચના અન્ય સભ્યો હતા.

શિક્ષણ, સાહિત્ય અને કલા :-
1968ની નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થતાં 1970-79ના દાયકામાં કેટલાંક રાજ્યોમાં કોઠારી શિક્ષણપંચે સૂચવેલું શિક્ષણનું નવું માળખું શરૂ થયું. આ માળખુ 10+2+3 ના નામે ઓળખાયું. 1968ની નવી શિક્ષણનીતિમાં દૂરવર્તી શિક્ષણને સ્થાન આપવામાં આવ્યું હતું. આ શિક્ષણના એક ભાગ રૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, નવી દિલ્હી દ્વારા 1979થી ઓપન સ્કૂલની યોજના શરૂ કરવામાં આવી. પાછળથી તે રાષ્ટ્રીય ઓપન સ્કૂલ સાથે જોડી દેવામાં આવી. વિધિસરની શાળાઓમાંથી ઉઠી જનાર વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ વગેરે માટે ઓપન સ્કૂલ યોજના આશીર્વાદ રૂપ બની. પ્રજાસત્તાક ભારતના ત્રીજા દાયકા દરમ્યાન નિરક્ષરતા નિવારણના ક્ષેત્રે સઘન પ્રયાસો થયા.
ફિલ્મ ક્ષેત્રે 1973થી વાર્ષિક રાષ્ટ્રીય ફિલ્મોત્સવની શરૂઆત કરવામાં આવી. 1955થી ધ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડીયા’(CFSI)ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય મુંબઈ ખાતે છે. આ સંસ્થાના આશ્રયે ભારતમાં પ્રથમ વાર 1979માં મુંબઈ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મોત્સવનું આયોજન થયું હતું.

પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની સ્થાપના :-
1966માં પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની સ્થાપના કરવામાં આવી. 1975ની કટોકટી દરમ્યાન કાઉન્સીલને નાબૂદ કરવામાં આવી હતી. 1978માં પુનઃ કાયદો ઘડી તેની પુનઃ સ્થાપના કરવામાં આવી.

મનોરંજન અને સંચાર માધ્યમો:-
નવેમ્બર, 1967થી આકાશવાણીનાં વિવિધભારતી નામે ઓળખાતાં મુંબઈ, નાગપુર અને પૂણેનાં કેન્દ્રો પરથી પ્રાયોગિક ધોરણે વ્યાપારિક પ્રસારણોનો આરંભ થયો. 1970થી આકાશવાણીના કાર્યક્રમોને સ્પોન્સર કરવાની શરૂઆત થઈ.
ભારતમાં દૂરદર્શન પ્રસારણનો આરંભ 15 સપ્ટેમ્બર, 1959થી થયો. તે પછી સમાચાર બુલેટીન સાથેની સેવાઓ 1965થી નિયમિત બની. 1976થી દૂરદર્શનને આકાશવાણીથી અલગ એવું દૂરદર્શન નામ અપાયું.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે :-
1971માં દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવી. ભારત સરકારે સર્વપ્રથમ 1970માં સ્વતંત્ર ઈલેક્ટ્રોનિક્સ વિભાગની સ્થાપના કરી. પછી બીજા વર્ષે 1971માં પ્રો. જી. કે. મેનનના અધ્યક્ષપદે ઈલેક્ટ્રોનિક્સ કમિશનની રચના કરવામાં આવી.
અણુ ઊર્જા ક્ષેત્રે પ્રગતિ:-
1967માં ટ્રોમ્બે ખાતેના અણું સંશોધન કેન્દ્રને ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટર એવું નામ આપવામાં આવ્યું. 1971માં આવું જ એક કેન્દ્ર ચેન્નાઈ નજીક કલ્પક્કમ ખાતે સ્થાપવામાં આવ્યું. તેને ઈન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ નામ અપાયું. પોખરણ અણુ ધડાકાના સફળ પ્રયોગના અંતે ભારત અણુ પરીક્ષણ માટે વિશ્વનું છઠ્ઠા ક્રમનું રાષ્ટ્ર બન્યુ.
અવકાશી સંશોધનોની સિદ્ધિ :-
અવકાશ યુગનો પ્રારંભ સૌપ્રથમ રશિયાએ કર્યો હતો. તેણે સર્વપ્રથમ 1957માં સ્પુટનિક-1’ નામે કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. તે પછી 1958માં અમેરિકાએ એક્સપ્લોરર-1 નામે કૃત્રિમ ઉપગ્રહ છોડ્યો. 15 ઓગસ્ટ, 1969ના રોજ બેંગ્લોર ખાતે ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ની સ્થાપના થઈ. આપણા દેશમાં આ દિશામાં પ્રગતિ સાધવા સર્વપ્રથમ 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશનની સ્થાપના કરવામાં આવી. કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં મોકલવા માટેનાં વાહનો તૈયાર કરવા માટે તિરૂવનંતપુરમ નજીક થુમ્બા ખાતે ડૉ. વિક્રમ સારાભાઈની યાદમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. ભારત દ્વારા સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાની ધરતી પરથી 1975માં તરતો મૂકવામાં આવ્યો. 1979માં બીજો ઉપગ્રહ ભાસ્કર-1 રશિયાની ભૂમિ પરથી અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો.

વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ :-
સામાન્ય વીમા સંબંધી ભારતમાં ચાર મહત્વની વીમા કંપનીઓ હતી. 1. ન્યૂ ઈન્ડીયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, મુંબઈ. 2. નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, કલકત્તા. 3. ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નવી દિલ્હી. 4. યુનાઈટેડ ઈન્ડીયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ચેન્નાઈ. 1973માં આ ચારેય સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

ઘટક રાજ્યોની સ્થાપના :-
1971માં મિઝોરમ અને અરૂણાચલપ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા અને હિમાચલપ્રદેશને નવું 18મું ઘટક-રાજ્ય બનાવવામાં આવ્યું. 1972માં અસમનું વિભાજન કરી તેમાંથી મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનાં અલગ ઘટક રાજ્યોની રચના થઈ. તે પછી 1975માં સિક્કીમ ભારતનું બાવીસમું ઘટક રાજ્ય બન્યું.

42મો બંધારણીય સુધારો :-
દેશમાં 1975ની આંતરિક કટોકટીના સમયમાં બંધારણમાં સુધારો કરવા સ્વર્ણસિંહ સમિતિ ની રચના કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણો ઉપરથી 1976માં બંધારણમાં 42મો સુધારો કરવામાં આવ્યો. એ મુજબ બંધારણના આમુખમાં સમાજવાદી’, ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય એકતા ને સ્થાને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા. નાગરિકો માટેની મૂળભૂત ફરજો નિશ્ચિત કરવામાં આવી.

1973માં મૈસુર રાજ્યનું નવું કર્ણાટક નામ અમલમાં આવ્યું.

નિધન :-
વિક્રમ સારાભાઈ :-
30 ડિસેમ્બર, 1971ની વહેલી સવારે ડૉ. વિક્રમ સારાભાઈનું અવસાન થયું. તેમનો જન્મ 1919માં અમદાવાદમાં થયો હતો. તેમના પિતા શ્રી અંબાલાલ સારાભાઈ અમદાવાદના જાણીતા મિલમાલિક હતા. ડૉ. વિક્રમ સારાભાઈએ 1947માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પરમાણુ ભૌતિક વિજ્ઞાનમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. 1962માં તેઓ અવકાશ સંશોધન માટેની ભારતીય રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ બન્યા હતા, જેના ભાગ રૂપે ઈસરોનો જન્મ થયો. 1966માં તેઓ અણુશક્તિ પંચના અધ્યક્ષ બન્યા. તેઓ અમદાવાદ ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન (અટીરા) અને ફીજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (PRI) તથા કિશોરો માટેની સંસ્થા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ની સ્થાપના સાથે સંકળાયેલા હતા. તેમના અવસાનના થોડા માસ પહેલાં જ અણુશક્તિ પંચના અધ્યક્ષ તરીકે તેમણે આંધ્રમાં હરિકોટા ખાતે અવકાશી મથકની સ્થાપના કરી હતી.
અન્ય મહાનુભાવોનું નિધન :-
આ દાયકામાં ડૉ. સી. વી. રામનનું 1970માં અને કનૈયાલાલ મુનશીનું 1973માં તથા ડૉ. રાધાકૃષ્ણન (1975), શ્રી કામરાજ નાદર (1975) અને શ્રી જયપ્રકાશ નારાયણનું 1979માં અવસાન થયું હતું.

સાતમી લોકસભા :-
ડિસેમ્બર, 1980માં સાતમી લોકસભા માટે ચૂંટણીઓ યોજાઈ. શ્રીમતી ઈન્દિરા ગાંધીના કોંગ્રેસ પક્ષને 529માંથી 353 બેઠકો મળી, જ્યારે જનતા પક્ષને માત્ર 13 બેઠકો જ મળી. આથી શ્રીમતી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. 21 જાન્યુઆરી, 1981ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી અને શ્રી બલરામ જાખડ તેના અધ્યક્ષ બન્યા.

છઠ્ઠી પંચવર્ષીય યોજના (1980 – 1985) :-
પાંચમી પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી એટલે કે 1978માં પૂર્ણ કરવામાં આવી હતી. તે પછી દેશની જનતા સરકારે વાર્ષિક યોજનાઓ (Rolling Plans) અમલમાં મૂકી. આ દરમ્યાન જાન્યુઆરી, 1980માં દેશમાં પુનઃ એકવાર કોંગ્રેસની સરકાર રચાઈ. સત્તા પલટાના આ સંજોગોમાં કોંગ્રેસની સરકારે છઠ્ઠી યોજનાને આખરી સ્વરૂપ 1981માં આપ્યું. છતાં તેની સમય અવધિ તો 1980-1985 જ રાખવામાં આવી. આ યોજના અંતર્ગત લોકોની ન્યૂનતમ જરૂરિયાતો પૂર્ણ કરવી, ગ્રામવિસ્તારોમાં રોજગારીની તકો વધારવી, સમાજના નબળા વર્ગોનો ઉત્કર્ષ કરવો, કુટુંબ નિયોજનના કાર્યક્રમનો વ્યાપ વધારવો અને વસ્તીનિયંત્રણ કરવું તથા યોજનાનો વાર્ષિક વૃદ્ધિદર 5.2% સિદ્ધ કરવો જેવાં ધ્યેયો રાખવામાં આવ્યાં. આ યોજના કેટલેક અંશે સફળ રહી અને વાર્ષિક વૃદ્ધિદર 5.3% જાળવી શકાયો.

ભાજપની સ્થાપના (1980) :-
સાતમી લોકસભામાં જનતા પક્ષનો દેખાવ નબળો રહ્યો હતો. આથી તેમાંથી જનસંઘ જૂથના અને બીજા ઘણા સભ્યો જુદા પડ્યા હતા. આ પૈકી કેટલાક રાષ્ટ્રવાદી નેતાઓ દિલ્હી ખાતે ભેગા થયા અને તેમણે ભારતીય જનતા પાર્ટી નામે નવા પક્ષની સ્થાપના કરી. શ્રી અટલ બિહારી બાજપાયી તેના પ્રમુખ બન્યા.

જ્ઞાની ઝૈલસિંહ :-
1982માં રાષ્ટ્રપ્રમુખ શ્રી નીલમ સંજીવ રેડ્ડીના હોદ્દાની મુદત પૂરી થઈ. આથી જ્ઞાની ઝૈલસિંહ સાતમા રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમનો જન્મ 5 મે, 1916માં પંજાબના ફરીદકોટ જિલ્લામાં સંધવાણે ગામમાં થયો હતો. તેઓ અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ફરીદકોટના રાજા સામે હામ ભીડીને સમાંતર સરકારની રચના કરી હતી. શ્રી ઝૈલસિંહ પેપ્સુ ના મંત્રીમંડળમાં જોડાયા હતા. 1972માં તેઓ પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. 1980માં લોકસભામાં ચૂંટાયા અને ઈન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં ગૃહમંત્રી બન્યા હતા.

વધુ છ બેન્કોનું રાષ્ટ્રીયકરણ :-
અગાઉ 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ વખતે 15 એપ્રિલ, 1980ના રોજ વધુ છ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1. આંધ્ર બેન્ક, 2. કોર્પોરેશન બેન્ક, 3. ન્યૂ બેન્ક ઓફ ઈન્ડીયા, 4. ઓરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સ, 5. પંજાબ એન્ડ સિન્ધ બેન્ક, 6. વિજયા બેન્ક. બેન્કીંગ સેવાઓના વધુ વિકાસ માટે જાન્યુઆરી, 1982માં એક્ષપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડીયાની સ્થાપના કરવામાં આવી. આ બેન્ક આયાતકારો અને નિકાસકારોને આર્થિક સગવડો પૂરી પાડવાનું કામ કરે છે. આ ઉપરાંત 12 જુલાઈ, 1982 થી નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા ખેતી અને ગ્રામવિકાસના ક્ષેત્રે નાણાકીય કામો કરતી અગત્યની સંસ્થા પુરવાર થઈ છે.

કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પ્રથમવાર બિનકોંગ્રેસી સરકાર :-
1983માં દેશનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ.
કર્ણાટક :-
કર્ણાટક શબ્દ મૂળ કન્નડ ભાષાના કરનાડુ શબ્દ પરથી બનેલો છે. જેનો અર્થ ઉન્નત અથવા ઉચ્ચ એવો થાય છે. ભૌગોલિક દૃષ્ટીએ કર્ણાટક ઉચ્ચપ્રદેશ છે, જેથી રાજ્યનું નામ પણ સાર્થક જ છે. 1983ની ચૂંટણીઓમાં જનતાપક્ષને અહીં વિધાનસભાની કુલ 224માંથી 88 બેઠકો મળી હતી. સામે પક્ષે કોંગ્રેસને 81 બેઠકો મળી હતી. પરંતુ ચૂંટણીઓના અંતે ક્રાંતિરંગા પક્ષે જનતાપક્ષને ટેકો આપ્યો. એના પરિણામે અહીં જનતાપક્ષના નેતા શ્રી રામકૃષ્ણ હેગડેની સરકાર રચાઈ.
આંધ્રપ્રદેશ :-
ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી ઈ.સ.ની ત્રીજી સદી સુધી અહીં સાતવાહન વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. જે આંધ્રનો સુવર્ણકાળ ગણાય છે. વર્તમાન ભારતનું ભાષાકીય ધોરણે રચાયેલું તે પ્રથમ રાજ્ય છે. અહીંના શ્રી એન. ટી. રામારાવ નામે ફિલ્મ અભિનેતા માત્ર આંધ્રમાં જ નહી, દેશભરમાં જાણીતા હતા. તેમણે તેલુગુ દેશમ પક્ષની સ્થાપના કરી હતી. 1983માં અહીં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. અહીં પણ કોંગ્રેસનો પરાજય થયો અને તેલુગુદેશમ પક્ષની સરકાર રચાઈ.

પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન :-
અહીં અકાલી દળ નામે પક્ષ હતો અને તેનું એક ઉદ્દામવાદી જૂથ હતું. એ જૂથના નેતા સંત જરનૈલસિંહ ભિંદરાણવાલે હતા. તેમણે કેન્દ્ર સરકાર પાસે વિવિધ રાજકીય અને ધાર્મિક માંગણીઓ કરી. એ સમયે ચંદીગઢ એ પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યનું પાટનગર હતું. અકાલીઓની મુખ્ય માંગણી ચંદીગઢ પંજાબને સોંપી દેવાની હતી. આ સિવાય તેમની અન્ય માંગણીઓ પણ હતી. એ માટે તેમણે સમગ્ર પંજાબ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ આચરી હતી. રાજ્ય સરકાર આ તોફાનો દાબી દેવા અસમર્થ હતી. આથી 6 ઑક્ટોબર, 1983ના રોજ કપૂરથલા પાસે આઠ માનવહત્યાઓ થતાં ત્યાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદવામાં આવ્યું.
ઓપરેશન બ્લૂ સ્ટાર:-
રાષ્ટ્રપ્રમુખ શાસન પછી પણ પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ હતી. તેને દાબી દેવા કેન્દ્ર સરકારે પગલાં લીધાં. આતંકવાદીઓ શસ્ત્રોના જંગી જથ્થાની સાથે સુવર્ણમંદિરમાં ભરાયા હતા. ઈન્દિરા ગાંધીએ સુવર્ણમંદિરનો કબજો લેવા લશ્કર ઉતાર્યું. 6 જૂન, 1984ના રોજ લશ્કરે આતંકવાદીઓ ઉપર કાબૂ મેળવ્યો. આ લશ્કરી કાર્યવાહી ઓપરેશન બ્લૂ સ્ટાર નામે ઓળખાય છે.
ઈન્દિરા ગાંધીની હત્યા :-
પંજાબના આતંકવાદીઓ ઓપરેશન બ્લૂ સ્ટારના બનાવ માટે શ્રીમતી ઈન્દિરા ગાંધીને જવાબદાર માનતા હતા. આથી તેઓ તેમની હત્યા માટે આતુર હતા. 31 ઓક્ટોબર, 1984ની સવારે તેમના સલામતી અધિકારી બિયંતસિંહે તેઓને સલામ કરી અને ત્યારબાદ તેમને ગોળીઓ મારી દીધી. બીજા એક અંગરક્ષક સતવંતસિંહે પણ તેમની પર ગોળીઓ વરસાવી. આમાં બિયંતસિંહ માર્યો ગયો અને સતવંતસિંહ ઘાયલ થયો. તેની ધરપકડ કરવામાં આવી. પાછળથી તેને ફાંસીની સજા થઈ.

1982માં દિલ્હીમાં નવમા એશિયાડનું આયોજન થયું. ત્યારબાદ દિલ્હી મુકામે બિનજોડાણવાદી રાષ્ટ્રોની સાતમી શિખર પરિષદ પણ યોજાઈ.

અવકાશ વિજ્ઞાન :-
1971માં શ્રી હરિકોટા ખાતે અવકાશી મથકની સ્થાપના કરવામાં આવી. 18 જુલાઈ, 1980ના રોજ પહેલીવાર ભારતે શ્રી હરિકોટાના અવકાશી મથકથી રોહિણી (RS-1) નામે દૂરસંવેદક કૃત્રિમ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો. આ માટે SLV-3 નામે અવકાશયાનનો ઉપયોગ થયો હતો. એનાથી ભારતે અવકાશ ક્લબ માં પ્રવેશ કર્યો અને ભારત તેનું છઠ્ઠું સભ્ય બન્યું. ત્યારબાદ 1984માં ભારતના સ્ક્વોડ્રન લીડર શ્રી રાકેશ શર્માએ રશિયન રોકેટ સોયુઝ દ્વારા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી તરીકેની સિદ્ધિ મેળવી.

ભોપાલગેસ દુર્ઘટના :-
અહીં યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન નામની બહુરાષ્ટ્રીય કંપનીનું કારખાનું છે. 3 ડિસેમ્બર, 1984ના રોજ આ કારખાનામાંથી મિથાઈલ આઈસો સાઈનાઈડ નામના ઝેરી ગેસનું ગળતર શરૂ થયું. તેના લીધે આશરે 2500 જેટલી વ્યક્તિઓ એકસાથે મોતના મુખમાં ધકેલાઈ ગઈ.

23 મે, 1984ના રોજ કુ. બચેન્દ્રી પાલે માઉન્ટ એવરેસ્ટનું સફળ આરોહણ કર્યું.
1980માં પ્રથમ ડબલ ડેકર વૃંદાવન એક્સપ્રેસ મદ્રાસ અને બેંગ્લોર વચ્ચે શરૂ કરવામાં આવી. 1982માં પેલેસ ઓન વ્હીલ્સની શરૂઆત કરવામાં આવી. 1984માં કલકત્તામાં પ્રથમ ભૂગર્ભ ટ્રેન(મેટ્રો રેલવે) શરૂ થઈ હતી.

નિધન :-
શ્રી ચિંતામણી દેશમુખ :-
આ દાયકા દરમ્યાન કેટલાક મહાનુભાવોનાં નિધન થયાં. તેમાં ચિંતામણી દેશમુખ કે જેઓ અર્થશાસ્ત્રી અને ભારતીય રીઝર્વ બેન્કના પ્રથમ ગવર્નર હતા. તેમનું નિધન 1982માં થયું.
શ્રી વિનોબા ભાવે :-
 15 નવેમ્બર, 1982ના રોજ વિનોબા ભાવેનું નિધન થયું. તેઓ પવનાર આશ્રમના સ્થાપક, સર્વોદય અને ભૂદાન પ્રવૃત્તિના જનક તરીકે જાણીતા હતા.
આચાર્ય જે. બી. કૃપલાણી :-
આચાર્ય જે. બી. કૃપલાણીનું 1982માં નિધન થયું. તેઓ ચંપારણ સત્યાગ્રહથી ભારતની સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા હતા. તેઓ ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય પણ રહ્યા હતા અને 1946માં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. 1951માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી તેમણે કિસાન-મજદૂર પક્ષની સ્થાપના કરી હતી. આ પક્ષ પાછળથી પ્રજા સમાજવાદી પક્ષના નામે ઓળખાયો.

આઠમી લોકસભા અને રાજીવ ગાંધી :-
શ્રીમતી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીની વડાપ્રધાન તરીકેની શપથવિધિ કરવામાં આવી(31 ઑક્ટોબર, 1984). ત્યારબાદ લોકસભાનું વિસર્જન કરવામાં આવ્યું. 1972-80 દરમ્યાન તેઓ ઈન્ડિયન એર લાઈન્સના પાયલટ હતા. 1980માં તેમના નાના ભાઈ શ્રી સંજય ગાંધીના અવસાન પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. તે પછી અમેઠીની પેટાચૂંટણીમાં વિજય મેળવ્યો. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી બન્યા. શ્રીમતી ઈન્દિરા ગાંધીની હત્યા વખતે તેઓ કોંગ્રેસના મહામંત્રી હતા. આઠમી લોકસભાની ચૂંટણી દરમ્યાન તેમના તરફી સહાનુભૂતિનું મોજુ ફરી વળતાં કોંગ્રેસને 542માંથી 415 બેઠકો મળી, જે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ હતી. આઠમી લોકસભાની પ્રથમ બેઠક 15 જાન્યુઆરી, 1985ના રોજ મળી. તેના અધ્યક્ષ શ્રી બલરામ જાખડ હતા. આ જ પ્રધાનમંડળમાં એક સભ્ય વી. પી. સિંહ પણ હતા. તેમણે શ્રી રાજીવ ગાંધીની સરકાર સામે પડકાર ફેંક્યો અને તે પછી તેમણે જનતાદળ નામે નવા પક્ષની સ્થાપના કરી. આ લોકસભાએ તેના પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને 27 નવેમ્બર, 1989માં તેનું વિસર્જન કરવામાં આવ્યું. રાજીવ ગાંધી વડાપ્રધાન થયા તે પછી પહેલી જ વાર દેશમાં રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી. કેટલાકના મતે શ્રી જ્ઞાની ઝૈલસિંહ શીખ હતા. ઓપરેશન બ્લૂ સ્ટારનો સંબંધ શીખો સાથે હતો. શ્રીમતી ગાંધીની હત્યા આ સંદર્ભમાં જ થઈ હતી. આથી શ્રી રાજીવ ગાંધી રાષ્ટ્રપ્રમુખને કેટલાક નિર્ણયો છેલ્લી ઘડીએ જણાવતા હતા. તો વળી કેટલાકના મતે રાષ્ટ્રપ્રમુખ કોંગ્રેસ વિરોધી કેટલાક નેતાઓને મુલાકાત આપતા હતા. આથી ગમે તે કારણે પણ બંને વચ્ચે સંવાદિતા જળવાતી ન હતી.

સાતમી પંચવર્ષીય યોજના (1985-1990) :-
આ યોજનાનાં ધ્યેયોમાં રોજગારીની તકો વધારવી, ઉત્પાદન ક્ષમતા વધારવી, ગરીબીનું પ્રમાણ ઘટાડવું અને પર્યાવરણનું સંરક્ષણ કરવું વગેરે હતાં. આ યોજના દરમ્યાન રાષ્ટ્રીય આવક 5.6%ના દરે વધી હતી. જો કે આ યોજના દરમ્યાન 1987-88નું વર્ષ દુષ્કાળનું રહ્યું હતું.

સ્ત્રી કલ્યાણ :-
1956માં સરકારે સ્ત્રીઓના દમન અને તેમની ઉપરના જાતીય શોષણ સામે સ્ત્રીઓને રક્ષણ આપવા એક કાયદો ઘડ્યો હતો. આ કાયદો ધ સપ્રેશન ઑફ ઈમમોરલ ટ્રેફિક ઈન વિમેન એન્ડ ગર્લ્સ એક્ટ-1956 નામે ઓળખાતો હતો. 1986માં આ કાયદાને સુધારવામાં આવ્યો અને તે ઈમમોરલ ટ્રેફીક (પ્રિવેન્શન)એક્ટ-1956 ના નામે ઓળખાયો. આ કાયદા મુજબ ધંધાકીય હેતુસર કોઈપણ સ્ત્રી કે પુરૂષનું જાતીય શોષણ ગુનો બને છે. 1961માં સરકારે દહેજપ્રથાના દૂષણને અટકાવવા દહેજ પ્રતિબંધક ધારો ઘડ્યો હતો. 1984માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો. તેમ છતાં આ પ્રથા ચાલુ હતી. આથી તેના સદંતર નાશ માટે ફરી એકવાર 1986માં દહેજ પ્રતિબંધક સુધારા વિધેયક સંસદમાં પસાર કરવામાં આવ્યું. એ દ્વારા હિંદી ફોજદારી ધારામાં ફેરફાર કરવામાં આવ્યો. 1987માં સતીપ્રથાનો સદંતર નાશ થાય તે માટે ધ કમિશન ઑફ સતી(પ્રિવેન્શન) એક્ટ નામે કાયદો ઘડ્યો. એ કાયદાથી સ્ત્રીને સતી થવાની ફરજ પાડનારને એક વર્ષથી માંડીને સાત વર્ષ સુધીની કેદની સજા તથા રૂ. 5000 થી માંડીને રૂ. 30,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી. લગ્ન સંબંધોના પરિણામે સ્ત્રી-પુરૂષ કે કુટુંબો વચ્ચેના ઝઘડાઓના ઝડપી નિકાલ માટે 1984થી કુટુંબ અદાલતો નો પ્રયોગ પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. 1986માં ધ ઈનડિસન્ટ રિપ્રેઝન્ટેશન ઑફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ ઘડવામાં આવ્યો. એનાથી સ્ત્રીઓને જાહેરાતો, પોસ્ટરો, પુસ્તકો, ચિત્રો વગેરે દ્વારા અશ્લીલ રીતે દર્શાવવા ઉપર નિયંત્રણ આવ્યું.

મિઝોરમની સ્થાપના :- (1987)
આ પ્રદેશમાં રહેતા લોકો મિઝો ના નામે ઓળખાતા હતા. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમની ભાષા પણ મિઝો છે. ખ્રિસ્તી મિશનરીઓએ અહીં શિક્ષણનું સારૂ કાર્ય કર્યું છે. મિઝોરમ પ્રદેશ મૂળ લૂ-શાઈ નામે ઓળખાતો અસમનો વિસ્તાર હતો. 1954માં તેનું નામ મિઝો હિલ્સ (ઊંચી ટેકરીઓ ચઢનારાઓનો પ્રદેશ) પાડવામાં આવ્યું. અહીં મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝો નેશનલ યુનિયન નામે બે રાજકીય પક્ષો સ્થપાયા હતા. આ પક્ષોએ અલગ મિઝોરમ રાજ્યની માંગણી કરી હતી. દરમ્યાન 1971માં અસમ વિસ્તારમાંથી તેની મિઝોરમ પ્રદેશ તરીકે રચના થઈ. તે પછી 1972માં તેને કેન્દ્રશાસિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ 1986માં અહીં મિઝો નેશનલ ફ્રન્ટ સાથે સમજૂતી સધાતાં 20 ફેબ્રુઆરી, 1987ના રોજ મિઝોરમને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. આમ મિઝોરમ ભારતનું 23મું ઘટક રાજ્ય બન્યું અને આઈઝોલ તેનું પાટનગર બન્યું.

અરૂણાચલ પ્રદેશની રચના :- (1987)
 1838માં આપ્રદેશ અંગ્રેજોએ તેમના હસ્તક લીધો હતો. તે પછી સમય જતાં આ પ્રદેશ નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સી (NEFA) નામે પ્રસિદ્ધ થયો. 1971માં તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. તે સાથે જ તેનું અરૂણાચલ પ્રદેશ  નામાભિધાન કરવામાં આવ્યું. 20 ફેબ્રુઆરી, 1987થી મિઝોરમની સાથે અરૂણાચલ પ્રદેશને પણ અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થતાં તે ભારતનું ચોવીસમું રાજ્ય બન્યું અને ઈટાનગર તેનું પાટનગર બન્યું.

ગોવા :-
ગોપકાપટ્ટમ, ગોપકાપુરી, ગોવાપુરી, ગોમાંચલ વગેરે તેનાં અગાઉનાં નામો છે. ગોવા મુક્તિ આંદોલન પછી ડિસેમ્બર, 1961માં તે મુક્ત બન્યું. આ પછી 1962માં દીવ, દમણ અને ગોવાને કેન્દ્રશાસિત વિસ્તાર બનાવવામાં આવ્યા. ત્યારબાદ 30 મે, 1987ના રોજ ગોવા ભારતનું પચ્ચીસમું રાજ્ય બન્યું.

પંજાબમાં પુનઃ રાષ્ટ્રપતિ શાસન :- (મે, 1987)
રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા પછી તેમણે પંજાબ સમસ્યા ઉકેલવા પહેલ કરી. એ સમયે પંજાબમાં સંત હરચંદસિંહ લોંગોવાલ અકાલીદળના માન્ય નેતા(પ્રમુખ) હતા. શ્રી રાજીવ ગાંધીએ તેમની સાથે જુલાઈ, 1985માં મંત્રણાઓ કરી. એ મંત્રણાઓને પરિણામે જે સમજૂતી થઈ તે પંજાબ સમજૂતી ના નામે જાણીતી થઈ. આ સમજૂતી વખતે પંજાબના માજી મુખ્યમંત્રી શ્રી પ્રકાશસિંહ બાદલને તથા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ ના વડા શ્રી ગુરુચરણસિંહ તોહરાને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. આથી એ બંને નેતાઓને પંજાબ સમજૂતી મંજૂર ન હતી. આ સંજોગોમાં પંજાબ સમજૂતીનો અમલ થાય તે પહેલાં જ સંત હરચંદસિંહ લોંગોવાલની હત્યા કરી નાંખવામાં આવી (ઑગસ્ટ, 1985). આ સાથે જ પંજાબ સમજૂતી નામશેષ બની ગઈ. આ પછી અહીં વિધાનસભાની ચૂંટણીઓ થઈ. તેમાં અકાલીદળનો વિજય થયો. પરિણામે એના નેતા શ્રી સુરજિતસિંહ બરનાલા પંજાબના મુખ્યમંત્રી બન્યા (સપ્ટેમ્બર, 1985). પરંતુ શ્રી બરનાલા આતંકવાદીઓને નાથી શક્યા નહીં. આથી કેન્દ્ર સરકારે નાછૂટકે શ્રી બરનાલાની સરકારને બરતરફ કરી અને ફરી એકવાર રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું.

શ્રી આર. વેંકટરામન :-
જુલાઈ, 1987માં શ્રી જ્ઞાની ઝૈલસિંહની મુદત પૂર્ણ થઈ. આ સમયે શ્રી આર. વેંકટરામન ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ રાષ્ટ્રપ્રમુખ તરીકેની ચૂંટણીમાં કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા. તેમનો વિજય થતાં તેઓ દેશના આઠમા રાષ્ટ્રપતિ બન્યા. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપ્રમુખ મહારાષ્ટ્રના રાજ્યપાલ ડૉ. શંકરદયાળ શર્મા બન્યા. તેઓ દેશના આઠમા ઉપરાષ્ટ્રપ્રમુખ માટે બિનહરીફ ચૂંટાયા હતા.

તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન (1988) :-
1977માં પોતાના AIADMK પક્ષને વિજય અપાવીને શ્રી એમ. જી. રામચંદ્રન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. પ્રાથમિક શિક્ષણની મધ્યાહન ભોજન યોજના સૌપ્રથમ તેમણે 1962-63માં સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી. ગુજરાત આ બાબતે બીજા નંબરે છે. અહીં 1984માં માધવસિંહ સોલંકીના સમય દરમ્યાન આ યોજના અમલી બની. 24 ડિસેમ્બર, 1987માં રામચંદ્રનનું અવસાન થયું. ત્યારબાદ નેતાપદ કુ. જયલલિતાના હાથમાં ન જાય તે માટે શ્રી વિરપ્પને એમ. જી. આર.નાં ધર્મપત્નિ શ્રીમતી જાનકી રામચંદ્રનને મેદાનમાં ઉતાર્યાં. આ વખતે સહાનુભૂતિને કારણે પક્ષના અન્ય સભ્યોનો ટેકો મળતાં શ્રીમતી જાનકી રામચંદ્રન તમિલનાડુનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યાં (7 જાન્યુઆરી,1988). ત્રણ અઠવાડિયામાં તેમણે વિશ્વાસ મત જીતવાનો હતો. 28 જાન્યુઆરીના રોજ વિધાનસભાની બેઠક મળી. તેમાં ધાંધલ ધમાલ થઈ. શ્રીમતી જાનકી રામચંદ્રન વિજયી તો બન્યાં; પરંતુ  રાજ્યપાલશ્રીને એ વિજય અંગે શંકા જાગી. આથી તેમણે તમિલનાડુમાં બંધારણીય વ્યવસ્થા તૂટી પડી છે એવો અહેવાલ કેન્દ્રને મોકલી આપ્યો. એના પરિણામે કેન્દ્ર સરકારે તમિલનાડુ વિધાનસભાનું વિસર્જન કર્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી(31 જાન્યુઆરી, 1988).

61મો બંધારણીય સુધારો :-
લોકસભામાં 1989માં 61મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો. તે મુજબ મતદાન માટેની વય 21 થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી.

નિધન :-
રૂક્મિણીદેવી અરૂન્ડલે :-
ભરતનાટ્યમ નૃત્યનાં વિશ્વ પ્રસિદ્ધ કલાકાર રૂક્મિણીદેવી અરૂન્ડલે કે જેઓ અડ્યાર (મદ્રાસ પાસે) ની કલાક્ષેત્ર નામે સંસ્થાનાં પ્રમુખ હતાં, તેમનું નિધન 1986માં થયું.
બાબુ જગજીવનરામ :-
બાબુ જગજીવનરામનું નિધન 6 જુલાઈ, 1986માં થયું. તેમનો જન્મ બિહારમાં થયો હતો. તેમણે કોંગ્રેસ(જે) નામના પક્ષની સ્થાપના કરી હતી. 1979માં શ્રી મોરારજી દેસાઈના રાજીનામા પછી તેઓ જનતાપક્ષના નેતા બન્યા હતા.

નવમી લોકસભા :-

વડાપ્રધાન શ્રી વી. પી. સિંહ :-
ડિસેમ્બર, 1989માં નવમી લોકસભા માટેની ચૂંટણીઓ યોજાઈ. આ સમયે કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી. આ સરકારે બોફોર્સ નામે સ્વીડનની એક કંપની પાસેથી હેવિત્ઝર નામે તોપો ખરીદી હતી. એમાં રાજીવ ગાંધીની સરકારે મોટો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો થયા હતા. આ સમયે રાજીવ ગાંધીની સરકારમાં ભૂતપૂર્વ રાજવી પરિવારના વંશજ શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ નાણાપ્રધાન હતા. તેઓ તેમની સ્વચ્છ પ્રતિભાને કારણે દેશભરમાં જાણીતા હતા. તેમણે બોફોર્સના પ્રશ્ને મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું અને રાજીવ સરકારના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો. તેમણે તે સમયના જનતા પક્ષ તથા લોકદળ જેવા રાજકીય પક્ષોની સહાય લઈ જનતાદળ નામે નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. આ પછી ભાજપ અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પક્ષ જેવા પક્ષોનો વિશ્વાસ સંપાદન કર્યો. તેમણે નવમી લોકસભાની ચૂંટણીઓ જીતવા માટે રાષ્ટ્રીય મોરચાની સ્થાપના કરી. લોકોએ રાષ્ટ્રીય મોરચાને જબરદસ્ત ટેકો આપ્યો. એના પરિણામે ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને કુલ 543માંથી 197 બેઠકો મળી; જ્યારે જનતાદળને 143, ભાજપને 85 અને સામ્યવાદી પક્ષને 50 બેઠકો મળી. આથી કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહિ. સંજોગો જાણીને કોંગ્રેસે સરકાર રચવા તૈયારી બતાવી નહિ. આથી જનતાદળે સરકાર રચવા હામ ભીડી. એ માટે કોંગ્રેસ સિવાયના ભાજપ અને અન્ય પક્ષોનો સાથ લેવામાં આવ્યો. આ વિજયમાં વી. પી. સિંહનો ફાળો વિશેષ હોવાથી તેઓ વડાપ્રધાન પદ માટે હકદાર હતા. પરંતુ અન્ય એક અગ્રણી નેતા શ્રી ચંદ્રશેખરને આ વાત પસંદ હતી નહિ. આથી આ પ્રશ્ને સત્તાનું રાજકારણ રમાયું. આખરે જાટ નેતા શ્રી ચૌધરી દેવીલાલના પ્રયાસોથી શ્રી વી. પી. સિંહ ભારતના સાતમા વડાપ્રધાન બન્યા. આ પહેલાં તેઓ કોંગ્રેસના સક્રિય સભ્ય અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા. શ્રી રાજીવ ગાંધીની સરકારમાં તેઓ સંરક્ષણ પ્રધાન અને નાણાપ્રધાન હતા. 18 ડિસેમ્બર, 1989ના રોજ નવમી લોકસભાની બેઠક મળી. તેના અધ્યક્ષ શ્રી રવિ રે હતા.

શિક્ષણ, સાહિત્ય અને કલા  :-
1984માં વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ વીસ મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો. તેમાં એક કાર્યક્રમ શિક્ષણ સુધારણા અને વિકાસ નો હતો. રાજીવ ગાંધીએ શિક્ષણ, સંસ્કૃતિ અને રમતગમત એ ત્રણેયને એક જ ખાતા હેઠળ આવરી લીધાં. એ ખાતાને માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય નામ આપવામાં આવ્યું. ત્યારબાદ 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ - 1986ને બહાલી આપવામાં આવી. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-1986ના પરિણામે દેશભરનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શિક્ષણનું એકસરખું માળખું(10+2+3) અસ્તિત્વમાં આવ્યું. આ ઉપરાંત શિક્ષણમાં પર્યાવરણ ઉમેરાયું. આ યોજનાના ભાગરૂપે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક નવોદય વિદ્યાલયની સ્થાપના કરવાનું વિચારાયું. આ વિદ્યાલયોને નિવાસી શાળા બનાવવામાં આવી. આ ઉપરાંત તેમાં મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી. 1985માં નવી દિલ્હી ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવી.

1986થી દેશમાં સ્પીડ પોસ્ટ સેવાનો આરંભ થયો.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે :-
મિસાઈલ ટેકનોલોજી :-
22 ફેબ્રુઆરી, 1988માં સૌપ્રથમ ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર છોડી શકાય તેવા પૃથ્વી મિસાઈલનો સફળ પ્રયોગ થયો. ત્યારબાદ મે, 1989માં ઓરિસ્સાના દરિયાકાંઠે આવેલ ચાંદીપુરની ટેસ્ટ રેન્જ પરથી ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર છોડી શકાય તેવા અગ્નિ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. એ પછી જૂન, 1989માં ભૂમિ ઉપરથી આકાશમાં છોડી શકાય તેવા ત્રિશૂલ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ તમામના અંતે આ દાયકામાં ભારતે મિસાઈલ ટેકનોલોજીના ક્ષેત્રે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું.

અણુવિજ્ઞાન :-
BARC ની સ્થાપના બાદ તેના દ્વારા અનુક્રમે અપ્સરા’, સાયરસ, ઝર્લિના અને પૂર્ણિમા નામે અણુભઠ્ઠીઓ તૈયાર કરવામાં આવી. પ્રજાસત્તાક ભારતના ચોથા દાયકા દરમ્યાન આ કેન્દ્ર દ્વારા 100 મેગાવોટ વીજળીપેદા કરતી ધ્રુવ નામે એક વધુ અણુભઠ્ઠી શરૂ કરવામાં આવી. આ અગાઉ તારાપોર (મહારાષ્ટ્ર) અને રાવતભાટા(રાજસ્થાન) ખાતે અણુવિદ્યુત મથકોનાં બે-બે એકમોની સ્થાપના કરી હતી. પ્રજાસત્તાક ભારતના ચોથા દાયકા દરમ્યાન કલ્પક્કમ (ચેન્નાઈ પાસે), નરોરા (ઉત્તરપ્રદેશ) અને ગુજરાતમાં કાકરાપાર ખાતે પાંચમા અણુવિદ્યુત મથકની સ્થાપના કરી હતી. આ મથકોના કુલ સાતેય એકમોના આયોજન ,સંચાલન અને વ્યવસ્થા માટે 1987માં એક અણુશક્તિ નિગમની સ્થાપના કરવામાં આવી. આ નિગમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઈન્ડીયા નામે જાણીતું છે.
નિધન :-
ખાન અબ્દુલગફારખાન :-
પઠાણ નેતા ખાન અબ્દુલગફારખાન સરહદના ગાંધી અને બાદશાહખાન નામે વિશેષ જાણીતા બન્યા હતા. 1987માં તેમને ભારતરત્નથી સન્માનીત કરાયા હતા. તેઓ 14 ઑગસ્ટ, 1988ના રોજ અવસાન પામ્યા.

માંડલપંચના અહેવાલનો વિરોધ :-
આ પંચે બે વર્ષમાં તેની કામગીરી પૂર્ણ કરી અને તેનો અહેવાલ 31 ડિસેમ્બર, 1980ના રોજ સરકારને સુપ્રત કર્યો. આ સમયે દેશમાં શ્રીમતી ઈન્દિરા ગાંધીની સરકાર હતી. એ સરકારે અહેવાલને મૂકી રાખ્યો. કારણ એ હતું કે અહેવાલની અનામતની જોગવાઈઓને કારણે દેશમાં તોફાનો ફાટી નીકળે તેમ હતાં. આ પછી 1989માં શ્રી વી. પી. સિંહની સરકારની રચના થઈ. શ્રી વી. પી. સિંહ અને તેમના જનતાદળે ચૂંટણી પ્રચારમાં લોકોને માંડલપંચના અહેવાલનો અમલ કરવાનાં તથા તેમાં જણાવેલી જે તે જ્ઞાતિઓને અનામતનો લાભ મળશે તેવાં વચનો આપ્યાં હતાં. આથી તેમણે માંડલપંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત કરી. માંડલપંચની ભલામણો અનુસાર 3,743 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં મૂકવામાં આવી અને એ બધી જ્ઞાતિઓને 27% અનામતનો લાભ મળતો હતો. આથી 27% અનામતની જોગવાઈ વિરુદ્ધ બાકી રહેતા સવર્ણો અને અન્ય વર્ગોમાં રોષ ફાટી નીકળ્યો. આખરે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને બીજો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી તાત્કાલિક ધોરણે પંચની ભલામણોનો અમલ અટકાવવાનો આદેશ આપી દીધો (1 ઑક્ટોબર, 1990). આ પછી થોડા જ સમયમાં વી. પી. સિંહની સરકારનું પતન થયું.

વડાપ્રધાન શ્રી ચંદ્રશેખર :-
નવમી લોકસભામાંથી શ્રી વી. પી. સિંહની જનતાદળની સરકાર રચાઈ હતી. આ સરકાર મુખ્યત્વે ભાજપના ટેકાથી રચાયેલી હતી. આ સમયે અયોધ્યાની રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો પ્રશ્ન પણ ચર્ચામાં હતો. હિંદુસમાજ રામમંદિરના નિર્માણ માટે કટિબદ્ધ હતો. એ માટે વિશ્વ હિંદુ પરિષદ અને ભા.જ.પ.ના અગ્રણી નેતાઓએ આંદોલન ચલાવ્યું હતું. શ્રી લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા શરૂ કરી હતી. એને શ્રી વી. પી. સિંહની સુચનાથી બિહારના સમસ્તીપુર ખાતે અટકાવવામાં આવી. શ્રી અડવાણીની અટકાયત કરવામાં આવી. આથી ભાજપે શ્રી વી. પી. સિંહને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. આથી વી. પી. સિંહની સરકારનું પતન થયું (1990). નવી સરકારની રચના માટે ફરી ચૂંટણીઓ ન કરવી પડે તેવા હેતુથી બીજા કોઈ પક્ષની સરકાર રચવાનું વિચારાયું. શ્રી ચંદ્રશેખર જનતાદળમાંથી છૂટા પડ્યા અને તે પછી તેમણે પોતાનું એક અલગ જૂથ બનાવ્યું. એ જૂથને તેમણે જનતાદળ(એસ) નામ આપ્યું. કોંગ્રેસે તેમના જૂથને ટેકો આપ્યો. પરિણામે તેઓ દેશના નવમા વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા પછી લોકોની ધારણા મુજબ શ્રી ચંદ્રશેખરે સારી છાપ વિકસાવી. પરિણામે કોંગ્રેસ પક્ષ વધુ સક્રિય બન્યો. દરમ્યાન શ્રી રાજીવ ગાંધીના નિવાસસ્થાને ચંદ્રશેખરની સરકાર જાસૂસી કરે છે એ પ્રશ્ન ચગાવવામાં આવ્યો. પરિણામે શ્રી ચંદ્રશેખરને કોંગ્રેસ સાથે ફાવ્યું નહીં અને તેમણે વડાપ્રધાનપદનું રાજીનામું આપી રાષ્ટ્રપ્રમુખને લોકસભાના વિસર્જનની ભલામણ કરી. રાષ્ટ્રપ્રમુખે 13 માર્ચ, 1991ના રોજ  લોકસભાના વિસર્જનની જાહેરાત કરી. એ પછી મે 1991માં દસમી લોકસભાની મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ. આઝાદી બાદ આ ત્રીજી મધ્યસત્ર ચૂંટણીઓ હતી.

રાજીવ ગાંધીની હત્યા :-
21 મે, 1991ના રોજ તેઓ મદ્રાસ પહોંચ્યા. રાત્રે 10 વાગે મદ્રાસથી 40 કીમી દૂર પેરામ્બૂર મુકામે તેમની ચૂંટણીસભાનું આયોજન કરવામાં આવ્યું. 10 કલાક અને 10 મિનિટે ત્યાં એક ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો. તેમાં તેમનું અવસાન થયું. તેમનું સમાધિસ્થાન વીરભૂમિ તરીકે ઓળખાયછે.
દસમી લોકસભા :-
            19 મી જૂને કુલ 511 બેઠકોમાંથી 499 બેઠકોનાં પરિણામ જાહેર થયાં. આ પૈકી કોંગ્રેસે 220 બેઠકો જીતી હતી. બાકીની બેઠકોનાં પરિણામો જાહેર થયાં ન હતાં. આવી અપૂર્ણ બેઠકોની સ્થિતિમાં પણ 20 જૂનના રોજ ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડી દસમી લોકસભાની જાહેરાત કરી. 21 જૂનના રોજ કોંગ્રેસના બિનચૂંટાયેલ નેતા શ્રી પી. વી. નરસિંહરાવની વડાપ્રધાન તરીકે શપથવિધિ થઈ. દેશના ઈતિહાસમાં પહેલીવાર અપૂર્ણ બેઠકોવાળી લોકસભાની રચના થઈ. એના અધ્યક્ષ શ્રી શિવરાજ પાટિલ ચૂંટાયા. દસમી લોકસભામાં ભારતીય જનતા પક્ષે 117 બેઠકો મેળવતાં સત્તાવાર વિરોધ પક્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વડાપ્રધાન શ્રી પી. વી નરસિંહરાવ :-
તેમનો જન્મ 1921માં આંધ્રપ્રદેશમાં થયો હતો. તેમનું પૂરુ નામ પામુલાપૂર્તી વેંકટ નરસિંહરાવ હતું. 1971 થી 1973 સુધી તેઓ આંધ્રના મુખ્યમંત્રી હતા. 1980માં તેઓ ઈન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં વિદેશપ્રધાન હતા. 1984માં તેઓ ગૃહમંત્રી બન્યા હતા. ત્યારબાદ 1986માં રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય ના પ્રધાન હતા. આ પદે રહી તેમણે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઘડતરમાં અગત્યનો ફાળો આપ્યો હતો. 21 જૂન, 1991ના રોજ તેઓ આ દેશના દસમા વડાપ્રધાન બન્યા હતા. 15 જૂન 1996 સુધી તેઓ વડાપ્રધાન પદે રહ્યા હતા.

ભાજપની એકતા યાત્રા :-
બંધારણમાં 370 અનુચ્છેદ કાશ્મીરને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપતો હતો. ભાજપના અગ્રણીઓએ બંધારણમાંથી આ અનુચ્છેદને દૂર કરવા માટે માંગણી કરી રહ્યા હતા. કાશ્મીર પ્રશ્ને લોકજાગૃતિ કેળવવા ભાજપ પ્રમુખ શ્રી મુરલી મનોહર જોષીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતાયાત્રાનું આયોજન કર્યું. એકતાયાત્રાનો આરંભ 11 ડિસેમ્બર, 1991ના દિવસે કરવામાં આવ્યો. તેના વ્યવસ્થાપક શ્રી નરેન્દ્ર મોદી હતા. તેનો છેલ્લો મુકામ શ્રીનગરનો લાલચોક હતો. ત્યાં 26 જાન્યુઆરી, 1992ના દિવસે ભારતનો ત્રિરંગો લહેરાવવાનો હતો. 25 જાન્યુઆરી જમ્મુ-કાશ્મીર ધોરીમાર્ગ પર ભેખડો ધસી પડી. આથી માર્ગ બંધ થઈ ગયો. પરંતુ ભારત સરકારે મુરલી મનોહર જોષી સહિત 90 જેટલા એકતાયાત્રીઓને હવાઈયાન દ્વારા શ્રીનગર પહોંચાડ્યા અને 26 જાન્યુઆરી, 1992ના રોજ 11 કલાકે લાલચોક ખાતે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો.

રાષ્ટ્રપ્રમુખ શ્રી ડૉ. શંકરદયાળ શર્મા :-
વડાપ્રધાન શ્રી નરસિંહરાવના સમયમાં ડૉ. શંકરદયાળ શર્મા દેશના નવમા રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેઓ 1987માં ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા હતા. તેમનો જન્મ 1918માં મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે બંધારણીય કાયદોના વિષયમાં Ph.D. ની ડિગ્રી મેળવી હતી. 15 જુલાઈ, 1992ના રોજ તેમની રાષ્ટ્રપ્રમખ તરીકે શપથવિધિ થઈ હતી.

ઉપરાષ્ટ્રપ્રમુખ શ્રી ડૉ. કે. આર. નારાયણન :-
ઑગસ્ટ, 1992ની ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં શ્રી કોચરિલ રમણ નારાયણન કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. તેમના એકમાત્ર હરીફ શ્રી જોગીન્દરસિંહ હતા, જેઓ ધરતીપકડ તરીકે જાણીતા હતા.

ઝારખંડ આંદોલન:-
પંજાબમાં ખાલિસ્તાન માટે, અસમમાં બોડોલેન્ડ માટે, પ. બંગાળમાં ગુરખાલેન્ડ માટે, મહારાષ્ટ્રમાં વિદર્ભખંડ માટે, મધ્યપ્રદેશમાં બુંદેલખંડ માટે અને ઉત્તરપ્રદેશમાં ઉત્તરાખંડ માટે માંગણીઓ થઈ રહી હતી. આપણા દેશની પૂર્વમાં બિહાર રાજ્ય આવેલું છે. આ રાજ્યમાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. આ ઉચ્ચપ્રદેશ અને તેની આસપાસના પ્રદેશને ઝારખંડ કહે છે. આ પ્રદેશમાં આદિવાસીઓની મુખ્ય વસ્તી છે. અહીંના આદિવાસીઓનું એક જૂથ તૈયાર થયું અને તેના નેતા શીબુ સોરેન હતા. તેમના જૂથનું નામ ઝારખંડ મુક્તિ મોરચો હતું.  

અયોધ્યા વિવાદ અને બાબરી મસ્જિદનો ધ્વંસ :-
વડાપ્રધાન શ્રી નરસિંહરાવના શાસન દરમ્યાન આપણા દેશમાં અયોધ્યા વિવાદ અને બાબરી મસ્જિદના પ્રશ્ને ભયંકર કોમી તોફાનો થયાં. અયોધ્યા એ ઉત્તરપ્રદેશમાં ફૈઝાબાદ જિલ્લામાં આવેલું નગર છે. રામાયણ ગ્રંથમાં જણાવ્યું છે તેમ આ નગર શ્રી રામની જન્મભૂમિ છે. અયોધ્યામાં પહેલાં શ્રી રામનું મંદિર હતું. 1528માં મંદિરના સ્થળે મીર બંકી નામના માણસે મસ્જિદનું નિર્માણ કરાવ્યું. ડિસેમ્બર, 1949માં બાબરી મસ્જિદ સંકુલમાં મૂર્તિઓ મૂકવામાં આવી. આથી તે હટાવી લેવા માટે દાવાઓ દાખલ કરવામાં આવ્યા. પરંતુ એ દાવાઓ ઉપર વચગાળાના હુકમોને લીધે પક્ષકારો મૂર્તિઓ હટાવી શક્યા નહિ. આથી ડિસેમ્બર, 1949 પછી આ માળખાનો મસ્જિદ તરીકે ઉપયોગ થતો ન હતો. 1987 પછી બાબરી મસ્જિદના માળખાને બીજે ખસેડીને તે સ્થાને રામમંદિર બાંધવાની ઝુંબેશ જોર પકડતી ગઈ. ત્યારબાદ નવેમ્બર, 1989માં એક સહમતિ સધાઈ. તેના આધારે અમુક શરતોને આધીન રહીને રામમંદિરનો પાયો નંખાયો. ડિસેમ્બર, 1990માં તે સમયના વડાપ્રધાન શ્રી ચંદ્રશેખરના પ્રયાસોથી વિશ્વ હિંદુ પરિષદ અને બાબરી મસ્જિદ સમિતિ વચ્ચે મંત્રણાઓ શરૂ  થઈ. દરમ્યાન શ્રી ચંદ્રશેખરે રાજીનામું આપતાં આ મંત્રણાઓ મુલતવી રહી. જૂન, 1991માં ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર રચાઈ. આ સમયે વડાપ્રધાન શ્રી પી. વી. નરસિંહરાવના કાર્યાલયમાં અયોધ્યા માટેનો એક ખાસ સેલ શરૂ થયો. આ સમયે શાંતિ માટેના પ્રયાસો થઈ રહ્યા હતા એવામાં વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપના અગ્રણીઓ દ્વારા ઉત્તરપ્રદેશ સરકારે સંપાદિત કરેલી જમીન પર 6 ડિસેમ્બર, 1992ના રોજ રામમંદિરના નિર્માણ માટે કારસેવાનો નિર્ણય લેવાયો. 43,000 થી પણ વધુ કારસેવકો અયોધ્યા પહોંચી ગયા. 6 ડિસેમ્બરની બપોરે એક બાજુ કારસેવાનો આરંભ થયો, તો બીજી બાજુ કારસેવકોના એક ધર્મઝનૂની ટોળાએ બાબરી મસ્જિદના ત્રણ ગુંબજોને ધરાશાયી કરી દીધા. તે સાથે જ દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં. આ સમયે ભાજપના અગ્રણી નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું. સરકારે તેમની તથા ભાજપના બીજા નેતાઓની ધરપકડ કરી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ઈસ્લામી સેવક સંઘ, જમાત-એ-ઈસ્લામ જેવાં સંગઠનોને ગેરકાયેદે જાહેર કર્યાં અને તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વડાપ્રધાન શ્રી નરસિંહરાવે ઉત્તરપ્રદેશની સરકારને અને તે પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલપ્રદેશની ભાજપની સરકારોને બરતરફ કરી ત્યાં રાષ્ટ્રપ્રમુખ શાસન સ્થાપી દીધું.

બોડોલેન્ડ આંદોલન :-
બોડોલેન્ડ એટલે અસમના બોડો નામે ઓળખાતા આદિવાસીઓનો પ્રદેશ. તેમની જમીન બોડો ન હોય તેવા આદિવાસીઓએ પચાવી પાડી હતી. આશરે 90% બોડો આદિવાસીઓ ગરીબીની રેખા હેઠળ જીવતા હતા. 1985માં અસમમાં અસમ ગણપરિષદ (AGP)નામે પક્ષની સરકાર રચાઈ હતી. એના નેતા શ્રી પ્રફુલ્લકુમાર મહંત મુખ્યમંત્રી બન્યા હતા. બોડો યુવાનોએ અખિલ બોડો સ્ટુડન્ટસ એસોસિયેશન (ABSU)ની સ્થાપના કરી. એમણે પોતાના પ્રશ્નો ઉકેલવા ઉદયાચલ નામે નવા રાજ્યની માગણી પણ કરી. દરમ્યાન 1991માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ થઈ. એમાં એ.જી.પી.ની સરકારના સ્થાને કોંગ્રેસની સરકાર રચાઈ. શ્રી હિતેશ્વર સાઈકીયા એના મુખ્યમંત્રી બન્યા. તેમણે બોડો આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવા ફરીવાર વાટાઘાટો શરૂ કરી. ફરી ત્રિપક્ષી મંત્રણાઓ થઈ. એના પરિણામે તેમના વિસ્તારને સ્વાયત્ત કાઉન્સિલ આપવામાં આવી.

નર્મદા યોજના વિવાદ :-
આ યોજના ગુજરાતમાં નર્મદા નદી પર નવાગામ પાસે તૈયાર થઈ રહી હતી. નર્મદા નદી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક નામે ડુંગરમાંથી નીકળે છે. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળાઓની ખીણમાં થઈને તે ગુજરાતમાં પ્રવેશે છે અને અરબસાગરમાં ખંભાતના અખાતને મળે છે. સર્વપ્રથમ 1946માં આ નદી પર બંધ બાંધવાનો વિચાર શ્રી સરદાર પટેલને આવ્યો હતો. છેવટે 1961માં વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના હસ્તે નવાગામ પાસે સરદાર સરોવર બંધ (નર્મદા યોજના)નો શિલારોપણ વિધિ થયો. આ યોજનાનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને મળવાનો હતો. પરંતુ તેના પાણીની વહેંચણી તથા બીજી કેટલીક બાબતે આ રાજ્યો વચ્ચે સંમતિ સધાઈ નહિ. આથી નર્મદા જળવિવાદ પંચની રચના કરવામાં આવી. આ પંચે 1979માં ચુકાદો આપ્યો. ત્યારબાદ યોજનાની કામગીરી ચાલી. જો કે આ યોજના વિરુધ્ધ બાબા આમટે અને મેધા પાટકર જેવા પર્યાવરણવાદીઓએ પણ આંદોલનો ચલાવ્યાં હતાં. તેમણે નર્મદા બચાવો આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલન સામે નરસિંહરાવની સરકાર ઝુકી ગઈ હતી અને તેમણે એક પરામર્શ સમિતિની રચના કરી હતી.

કાવેરી યોજના :-
આપણા દેશમાં કાવેરી નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. આ નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળી કર્ણાટક અને તમિલનાડુ એમ બે રાજ્યમાં થઈને વહે છે. તે પછી તે બંગાળાના ઉપસાગરને મળે છે. કાવેરી નદી પર સૌપ્રથમ કર્ણાટક(મૈસુર)ની સરકારે 1890થી સિંચાઈ યોજનાઓ હાથ ધરી હતી. ત્યારથી તમિલનાડુ (મદ્રાસ) એ કર્ણાટક સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તે પછી કાવેરી નદી પર કન્નબડી ખાતે બંધ બાંધવાની કર્ણાટકની યોજના બાબતે બંને રાજ્યો વચ્ચે ભારે વિવાદ થયો હતો. એ વિવાદનો અંત લાવવા 1924માં બંને રાજ્યો વચ્ચે એક સમજૂતી થઈ. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી 1969માં ફરી એકવાર જળવહેંચણીની બાબતે બંને રાજ્યો વચ્ચે વિવાદ સર્જાયો. એ વિવાદે દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આખરે ટ્રિબ્યુનલની રચના થઈ. જૂન, 1991માં ટ્રીબ્યુનલે કર્ણાટકની સરકારને તમિલનાડુ માટે દર અઠવાડિયે 205 ટી.એમ.સી. (Thousand Million Cubic) ફૂટ પાણી છોડવાનો આદેશ આપ્યો. આ પછી પણ જળવહેંચણી બાબતે બંને રાજ્યો વચ્ચે તંગદિલી સર્જાતી રહી. છેવટે ડિસેમ્બર, 1995માં સુપ્રિમ કોર્ટે વડાપ્રધાન શ્રી નરસિંહરાવને બંને રાજ્યોના વિવાદમાં દરમ્યાનગીરી કરવાનું સૂચન કર્યું. આથી શ્રી નરસિંહરાવે કર્ણાટકની સરકારને તમિલનાડુ માટે ટ્રીબ્યુનલે જૂન, 1991માં પાણીનો જેટલો જથ્થો છોડવાની ભલામણ કરી હતી તેને અનુસરવાનો નિર્ણય જાહેર કર્યો. આ ઉપરાંત દર અઠવાડિયે વધારાનું 6 ટી.એમ.સી. ફૂટ પાણી છોડવાનું પણ સૂચન કર્યું. શ્રી નરસિંહરાવના આ નિર્ણય સામે કર્ણાટકમાં તંગદિલીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું. આથી કર્ણાટકની સરકારે કેન્દ્રના નિર્ણયનો તત્કાલ અમલ મુલતવી રાખ્યો. જો કે ત્યારબાદ વડાપ્રધાનશ્રી વાજપાયીએ આ પ્રશ્ને મધ્યસ્થી તરીકે આપેલા ચુકાદા અનુસાર સંબંધિત રાજ્યો વચ્ચે કામચલાઉ સમાધાન સાધી શકાયું છે.

પંચાયતીરાજ વિધેયક:-
રાજીવ ગાંધી પંચાયતી રાજ વિધેયક દ્વારા સમગ્ર દેશમાં પંચાયતી રાજ સ્થાપવા ઈચ્છતા હતા. પાવર ટુ પીપલ એ તેનું મુખ્ય સુત્ર બન્યું હતું. પરંતુ બંધારણ મુજબ પંચાયતી રાજ એ રાજ્યનો વિષય હતો. દરમ્યાન રાજીવ ગાંધીની હત્યા થતાં શ્રી નરસિંહરાવ દેશના વડાપ્રધાન બન્યા. પક્ષીય રીતે તેઓ શ્રી રાજીવ ગાંધીના અનુયાયી હતા. આથી વડાપ્રધાન બનતાં જ તેમણે રાજીવ ગાંધીના પંચાયતી રાજના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસો કર્યા. એના અનુસંધાનમાં 1992માં 73મો બંધારણીય સુધારો થયો. આ સુધારાથી પંચાયતી વ્યવસ્થાને બંધારણમાં સ્થાન મળ્યું.

માંડલ પંચની ભલામણોનો સ્વીકાર :-
શ્રી વી.પી. સિંહની સરકારે માંડલપંચની ભલામણો સ્વીકારતાં દેશભરમાં એના વિરોધમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને બીજો આદેશ ન થાય ત્યાં સુધી પંચની ભલામણો મોકૂફ રાખવાનો આદેશ આપ્યો. જૂન, 1991માં કોંગ્રેસની સરકાર રચાઈ હતી. શ્રી પી. વી. નરસિંહરાવ તેના વડા બન્યા હતા. અનામત અંગેની નવી નીતિ નક્કી કર્યા વિના ચાલે એમ ન હતું. સપ્ટેમ્બર, 1991ના અંતમાં અનામત અંગેની નવી નીતિ જાહેર કરી. એ મુજબ 22.5% અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે, 27% સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેવા વર્ગો માટે તથા 10% આર્થિક પછાત વર્ગો માટે અનામતની જાહેરાત કરવામાં આવી. આથી ફરી એકવાર વિરોધનો વંટોળ ઉભો થયો. એ પછી નવેમ્બર, 1992માં સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. એમાં માંડલ પંચે સૂચવેલ 27% અનામતને કાયદેસર ઠેરવવામાં આવી હતી. ચુકાદામાં આર્થિક પછાતો માટેની 10% અનામતો રદ કરવામાં આવી હતી. આ ચુકાદાની જાહેરાત થતાં જ ફરી એકવાર દેશભરમાં અનામત વિરોધી આંદોલનો ફાટી નીકળ્યાં. જો કે સમય જતાં એ આંદોલનો શાંત પડી ગયાં. સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા મુજબ 8 સપ્ટેમ્બર, 1993ના દિવસે કેન્દ્ર સરકારે માંડલ પંચની ભલામણોનો સ્વીકાર કર્યો.

આઠમી પંચવર્ષીય યોજના (1992-1997) :-
સાતમી પંચવર્ષીય યોજના 1990માં પૂર્ણ થઈ હતી. પરંતુ એ સમયે દેશની રાજકીય સ્થિતિ બદલાઈ હતી. આથી આઠમી પંચવર્ષીય યોજના 1 એપ્રિલ, 1992થી શરૂ કરવામાં આવી. આ પહેલાં 1990-91 અને 1991-92 દરમ્યાન વાર્ષિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરુ પાડવું અને વસ્તી નિયંત્રણ જેવાં લક્ષ્ય રાખવામાં આવ્યાં હતાં.

અગિયારમી લોકસભા :-
એપ્રિલ-મે, 1996માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ. કુલ 543 બેઠકો પૈકી 535 બેઠકોની ચૂંટણીઓ યોજાઈ. સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદા મુજબ આ ચૂંટણીઓમાં ચૂંટણી ખર્ચ ઉપર મોટી મર્યાદા મૂકાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 136 અને ભાજપને 160 બેઠકો મળી. કોંગ્રેસ સરકાર રચી શકે તેમ ન હોવાથી તેણે સંયુક્ત મોરચાને ટેકો આપવાનો નિર્ણય કર્યો. મોરચાના આગેવાનોએ નવા નેતા તરીકે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. દેવગોવડાની પસંદગી કરી હતી. પરંતુ બીજી બાજુએ ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ સંખ્યામાં બેઠકો મેળવી હોઈ રાષ્ટ્રપ્રમુખે શ્રી અટલ બિહારી વાજપાયીને સરકાર રચવા આમંત્રણ આપ્યું. તે સાથે જ રાષ્ટ્રપ્રમુખે 31 મે સુધીમાં લોકસભામાં પોતાની બહુમતી પુરવાર કરવા પણ જણાવ્યું. 16 મે, 1996ના રોજ તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા. લોકસભામાં તેઓ પોતાની બહુમતી પુરવાર કરી શક્યા નહીં. આથી વિશ્વાસનો મત લેવાય તે પહેલાં જ તેમણે પોતાના પદનું રાજીનામુ આપી દીધું. તે સાથે જ 13 દિવસની તેમની સરકારનો અંત આવ્યો.

શ્રી એચ. ડી. દેવગોવડા :-
ભાજપની સરકારના અંત સાથે જ રાષ્ટ્રપ્રમુખે સંયુક્ત મોરચાના નેતા શ્રી એચ. ડી,. દેવગોવડાને સરકાર રચવા આમંત્રણ આપ્યું. સંયુક્ત મોરચો જનતા દળ અને સમાજવાદી પક્ષ મળી કુલ 13 જેટલા પક્ષોનો બનેલો હતો. તેને કોંગ્રેસનો સંપૂર્ણ ટેકો હતો. 1 જુલાઈ, 1996ના રોજ શ્રી દેવગોવડા એ વડાપ્રધાનપદના શપથ લીધા. શ્રી હરદાનહલ્લી ડોડાગોવડા દેવગોવડાએ તેમનું પૂરુ નામ હતું. તેમનો જન્મ 1933માં કર્ણાટકના એક નાના ગામમાં થયો હતો. તેમના પિતા એક સાધારણ ખેડૂત હતા. આથી તેઓ પોતાને  ધરતી પુત્ર તરીકે ઓળખાવતા હતા. 1983માં શ્રી એચ. ડી. દેવગોવડા જનતાપક્ષના સભ્ય તરીકે કર્ણાટક વિધાનસભામાં વિજયી બન્યા હતા. તે વખતે શ્રી રામકૃષ્ણ હેગડે પક્ષના નેતા તરીકે મુખ્યમંત્રી બન્યા હતા. શ્રી દેવગોવડા એ સમયે શ્રી હેગડેની સરકારમાં સિંચાઈ અને બાંધકામ ખાતાના મંત્રી હતા. તેઓ 11 માસ સુધી દેશના વડાપ્રધાન  રહ્યા. તેમણે સમાન લઘુતમ કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતું બિલ તેમના સમયમાં રજૂ થયું હતું. જીનીવા ખાતેની નિઃશસ્ત્રીકરણ અંગેની પરિષદમાં અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં સી.ટી.બી.ટી. કરાર ઉપર સહી ન કરવાના નિર્ણયો પણ તેમના સમયમાં જ લેવાયા હતા. તેઓ કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બન્યા હતા. ઑક્ટોબર, 1996માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. એ ચૂંટણીઓના અંતે સંયુક્ત મોરચા સરકારે કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને ટેકો આપ્યો ન હતો. આ મુખ્ય કારણસર કોંગ્રેસ અને સંયુક્ત મોરચા સરકાર વચ્ચે મડાગાંઠ ઉભી થઈ. આખરે 30 માર્ચ, 1997ના રોજ કોંગ્રેસે મોરચા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. આથી રાષ્ટ્રપ્રમુખે શ્રી દેવગોવડાને 11 એપ્રિલ સુધીમાં લોકસભામાં બહુમતી સાબિત કરવા જણાવ્યું. તેઓએ વિશ્વાસ મત હારી જતાં રાજીનામું આપ્યું. પરંતુ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપ્રમુખે તેમને કાર્યભાર જાળવી રાખવા જણાવ્યું. કોંગ્રેસે સંયુક્ત મોરચાના નેતા બદલવાની શરતે પુનઃ ટેકો આપવા જણાવ્યું. આખરે એ સમયના વિદેશમંત્રી શ્રી આઈ. કે. ગુજરાલ પસંદગી પામ્યા. 21 એપ્રિલ, 1997ના રોજ તેમની શપથવિધિ થઈ.

વડાપ્રધાન શ્રી આઈ. કે. ગુજરાલ :-
તેમનો જન્મ 4 ડિસેમ્બર, 1919મા રોજ પંજાબના ઝેલમ(હાલ પાકિસ્તાનમાં) માં થયો હતો. ઈન્દિરા ગાંધીની સરકારમાં તેઓ સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી હતા. 1976માં તેઓ સોવિયેટ સંઘમાં ભારતના એલચી તરીકે નીમાયા હતા. કટોકટીના સમયમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી. 1989માં તેઓ શ્રી વી. પી. સિંહની સરકારમાં વિદેશમંત્રી તરીકે જોડાયા. 1996માં શ્રી દેવગોવડાની સરકારમાં પણ તેઓ વિદેશમંત્રી હતા.

રાષ્ટ્રપ્રમુખ શ્રી કે. આર. નારાયણન :-
24 જુલાઈ, 1997ના રોજ નવમા રાષ્ટ્રપ્રમુખ શ્રી શંકરદયાળ શર્માની હોદ્દાની મુદત પૂર્ણ થતી હતી. આથી ત્યારબાદ ચૂંટણી યોજાઈ અને તેઓ 21 ઑગસ્ટ, 1997ના રોજ ભારતના દસમા રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમનું આખુ નામ શ્રી કોચરિલ રમણ નારાયણન છે. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1921માં જૂના ત્રાવણકોર રાજ્ય(વર્તમાન કેરળ)ના ઉઝાવુર નામના ગામમાં થયો હતો. તેઓ એક ગરીબ દલિત પરિવારનું સંતાન હતા. 1949માં તેમને ભારતના વિદેશ મંત્રાલયમાં સેવાઓ આપવાની તક પ્રાપ્ત થઈ. તેમને થાઈલેન્ડ, વિયેટનામ, ઑસ્ટ્રેલિયા, તુર્કી અને ચીન તથા અમેરિકાના ભારતીય રાજદૂત નીમવામાં આવેલા. નિવૃત્તિ બાદ તેઓ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા હતા. રાજીવ ગાંધીની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી હતા. 1992માં તેઓ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા.
જૈન પંચનો અહેવાલ અને લોકસભાનું વિસર્જન :-
21 મે, 1991ના રોજ શ્રી રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. એ હત્યાની તપાસ માટે જૈન પંચ નીમવામાં આવ્યું હતું. આ પંચનો અહેવાલ નવેમ્બર, 1997ના આરંભમાં ફૂટી ગયો. એની કેટલીક વિગતો વર્તમાનપત્રોમાં પણ પ્રગટ થઈ. એ મુજબ જૈન પંચે રાજીવ હત્યાકેસમાં ડી.એમ.કે.ના નેતા શ્રી એમ. કરૂણાનિધિ, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી વી. પી. સિંહ તથા અન્ય મોટા રાજકીય નેતાઓને પણ દોષિત ઠેરવ્યા હતા. આથી દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ. એ સમયે કોંગ્રેસમાં સંયુક્ત મોરચાની સરકાર હતી અને તેને કોંગ્રેસનો ટેકો હતો. કોંગ્રેસે સંયુક્ત મોરચામાંથી ડી.એમ.કે. પક્ષને દૂર કરવા માંગણી કરી અને સંસદની બેઠકમાં જૈન પંચનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું. જો કે મોરચા સરકારે કોંગ્રેસની માગણી નકારી કાઢી. આખરે સંસદની બેઠક મળતાં આ પંચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તે સાથે જ સંસદમાં હોબાળો મચી ગયો અને સૂત્રોચ્ચાર થયા. અધ્યક્ષ શ્રી પી. એ. સંગમાએ લોકસભાને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી. કોંગ્રેસે 28 નવેમ્બરના રોજ સંયુક્ત મોરચાને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરી. આથી શ્રી આઈ. કે. ગુજરાલે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. આમ શ્રી ગુજરાલ સરકારનું પતન થયું. આ સાથે જ 4 ડિસેમ્બર, 1997ના રોજ રાષ્ટ્રપ્રમુખે લોકસભાનું વિસર્જન જાહેર કર્યું અને 15 માર્ચ સુધીમાં નવી મધ્યસત્ર ચૂંટણીઓ યોજવાનો આદેશ આપી દીધો.

નવમી પંચવર્ષીય યોજના (1997-2002) :-
આ યોજનામાં પણ ગરીબી નાબૂદ કરવી અને વસ્તી નિયંત્રણ જેવાં લક્ષ્ય રાખવામાં આવ્યાં હતાં.

બારમી લોકસભાની રચના :-
રાષ્ટ્રપ્રમુખના આદેશ મુજબ ફેબ્રુઆરી-માર્ચ, 1998માં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ. આ વખતે 543 પૈકી 539 બેઠકોનાં પરિણામો જાહેર થયાં. એમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર સૌથી મોટા પક્ષ તરીકે 169 બેઠકો પર વિજય મેળવ્યો. સાથીપક્ષો સહિત તેને કૂલ 252 બેઠકો મળી હતી. સામે પક્ષે કોંગ્રેસને 141 બેઠકો અને સંયુક્ત મોરચાને 95 બેઠકો મળી હતી. 10 માર્ચ, 1998ના રોજ ચૂંટણીપંચે રાષ્ટ્રપ્રમુખ શ્રી કે. આર. નારાયણન સમક્ષ વિજેતા ઉમેદવારોની યાદી રજૂ કરી અને એ પછી રાષ્ટ્રપ્રમુખે જાહેરનામું બહાર પાડી બારમી લોકસભાની રચના અંગેની વિધિસરની જાહેરાત કરી. આ વખતે કોઈ એક પક્ષ એકલા હાથે સરકાર રચી શકે એવી સ્થિતિમાં ન હતો. આથી રાષ્ટ્રપ્રમુખે ભાજપના નેતા શ્રી અટલ બિહારી બાજપાઈને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું(15માર્ચ, 1998). ત્યારબાદ 19 માર્ચ, 1998ના રોજ તેમની વડાપ્રધાન તરીકે શપથવિધિ થઈ. શ્રી જી. એમ. સી. બાલયોગી લોકસભાના 16મા અધ્યક્ષ બન્યા.

શ્રી બાજપાયીની સરકારનું પતન :-
ભાજપ સરકારની રચના સમયે નૌકાદળના વડા શ્રી વિષ્ણુ ભાગવત હતા. તેમણે સંરક્ષણની બાબતે કેન્દ્ર સરકારની સલાહ અવગણી હતી. આથી સરકારે તેમને બરતરફ કર્યા. આ મુદ્દે વિરોધ પક્ષોએ હોબાળો કર્યો. ભાજપને ટેકો આપનાર પક્ષોમાં એઆઈડીએમકે સૌથી મોટો પક્ષ હતો. એનાં નેતા કુ. જયલલિતા શરૂઆતથી જ ભાજપ સરકારમાં પોતાનું વર્ચસ્વ જાળવવા પ્રયત્નશીલ હતાં. તેમણે તમિલનાડુમાં એમ. કરૂણાનિધિની સરકારને બરતરફ કરવા માંગણી કરી હતી. પરંતુ ભાજપે તે નકારી કાઢી હતી. આ સિવાય કાવેરી જળવિવાદના પ્રશ્ને પણ તેઓ સરકારની સામે પડ્યાં હતાં. આથી વિષ્ણુ ભાગવતના પ્રશ્ને તેમણે સરકારની સામે મોરચો માંડ્યો. તેમણે શ્રી ભાગવતને હોદ્દા પર પુનઃ લેવા અને સંરક્ષણમંત્રી શ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝના રાજીનામાની માંગણી કરી. પછી તેઓ કેટલાક વિરોધપક્ષોને મળ્યાં અને સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. આથી રાષ્ટ્રપ્રમુખે સરકારને વિશ્વાસનો મત લેવાનો આદેશ કર્યો. આ વિશ્વાસમતમાં ભાજપની સરકારનો એક મતથી પરાજય થયો. આથી શ્રી બાજપાઈએ રાજીનામું આપ્યું. આમ, 13 માસના અંતે ભાજપની સરકારનું પતન થયું (17 એપ્રિલ, 1999). આ સમયે અન્ય કોઈ પક્ષ સરકાર રચવા માટે સક્ષમ ન હોવાથી રાષ્ટ્રપ્રમુખે બારમી લોકસભાના વિસર્જનની જાહેરાત કરી અને નવી મધ્યસત્ર ચૂંટણીઓ થાય ત્યાં સુધી બાજપાયીની સરકાર રખેવાળ સરકાર બની.

કારગિલ યુદ્ધ :-
1999ના વર્ષના આરંભમાં જ વડાપ્રધાન શ્રી બાજપાઈના હસ્તે દિલ્હી-લાહોર બસ સેવાનો પ્રારંભ થયો હતો. પરંતુ આ પ્રયાસો વધુ ટક્યા નહી. શ્રીનગર – લેહ હાઈવે ઉપરની કારગિલ સરહદે પાકિસ્તાની ઘૂસણખોરો ધસી આવ્યા. એમણે 15-17 હજાર ફૂટની ઊંચાઈએ બંકરો(અડ્ડાઓ) બાંધ્યાં અને તોપો પણ ગોઠવી. પછી મે, 1999ના પ્રથમ અઠવાડિયામાં જ તોપમારો શરૂ કર્યો. આથી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. આમાં દ્રાસ વિસ્તારની ટાઈગર હિલ્સની લડાઈએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને આ કાર્યવાહીને ઓપરેશન વિજય એવું નામ આપવામાં આવ્યું.

તેરમી લોકસભા :-
ઓક્ટોબર, 1999માં તેરમી લોકસભા માટેની ચૂંટણીઓ પૂર્ણ થઈ. આ વખતે 543 પૈકી 538 બેઠકોની ચૂંટણીઓ થઈ. તેમાં ભાજપે જનતાદળ(બીજુ પટનાયક), શિવસેના, તેલુગુ દેશમ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ તથા અન્ય પક્ષો સાથે મળીને ચૂંટણી જોડાણ કર્યું. એ જોડાણ રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો (નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ – NDA) નામે જાણીતું બન્યું. આ સમયે ભાજપે 182 અને સાથી પક્ષો સહિત 122 મળીને કુલ 304 બેઠકો મેળવી. આથી શ્રી અટલ બિહારી બાજપાયી તેરમી લોકસભાના વડાપ્રધાન બન્યા(13 ઑક્ટોબર, 1999).

શ્રી અટલ બિહારી બાજપાયી :-
આ વખતે શ્રી બાજપાયી ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા હતા. આથી તેઓ નહેરુ પછી બીજા ક્રમે હતા. તેમનો જન્મ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે 25 ડિસેમ્બર, 1924માં થયો હતો. 1951માં શ્યામાપ્રસાદ મુખરજીએ જનસંઘ નામે પક્ષની સ્થાપના કરી હતી. શ્રી બાજપાયી આ પક્ષના સ્થાપક સભ્ય હતા. તેઓ ત્રીજીવાર વડાપ્રધાન બન્યા તે પહેલાં રાજ્યસભામાં બે વાર અને લોકસભામાં છ વાર ચૂંટાઈ આવ્યા હતા. તેમણે શ્રેષ્ઠ સાંસદનું બહુમાન પણ મેળવ્યું હતું. મેરી સંસદીય યાત્રા (ચાર વિભાગ), શક્તિ સે શાંતિ’, મેરી ઈક્યાવન કવિતાયે’, જનસંઘ ઔર મુઅસલમાઁ’, ઈન્ડીયાઝ ફોરેન પોલીસી’, ફોર ડિકેડ્ઝ ઈન પાર્લામેન્ટ વગેરે તેમની સુવિખ્યાત રચનાઓ છે. તેમણે રાષ્ટ્રધર્મ અને અન્ય સાપ્તાહિકોનું સંપાદન પણ કરેલ છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ :-
આ દાયકામાં મિસાઈલ ટેકનોલોજીનો સૌથી વધુ વિકાસ થયો. આ ક્ષેત્રે ડૉ. એ.પી.જે. કલામનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. તેઓ ભારતીય મિસાઈલ ટેકનોલોજીના જનક કહેવાય છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 1990માં ત્રીજી શ્રેણીના ટેન્ક વિરોધી નાગ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ સિવાય આકાશ’, અગ્નિ’(બીજી વાર), પૃથ્વી અને અગ્નિ-2’ જેવાં મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે સર્વપ્રથમ 1981માં એક સમુદ્ર વિકાસ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગ દ્વારા રાષ્ટ્રીય દરિયાઈ માહિતી સેવાની પણ સ્થાપના થઈ હતી. કેરલમાં થાંગાસેરી ખાતે અને કારનિકોબારમાં મસ પોઈન્ટ ખાતે સમુદ્ર ભરતી ઉર્જા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા. ચેન્નાઈ ખાતે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઓશન ટેકનોલોજી નામની સ્વાયત્ત સંસ્થા સ્થાપવામાં આવી.

અણુવિજ્ઞાન :-
અણુવિજ્ઞાનના વિકાસ માટે સર્વપ્રથમ 1954માં કેન્દ્ર સરકારે એક અલગ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના કરી હતી. આ સિવાય ભાભા અણુ સંશોધન કેન્દ્ર, હેવી વોટર બોર્ડ(મુંબઈ), ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્ષ(હૈદરાબાદ), યુરેનિયમ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, જદુગુડા(બિહાર) વગેરે પણ શરૂ કરવામાં આવેલ. અણુવિદ્યુતના ક્ષેત્રે 220 મેગાવોટ વીજશક્તિની ક્ષમતાવાળાં કાકરાપાર(ગુજરાત)નાં બે એકમ અને નરોરા (ઉત્તરપ્રદેશ)ના એક એકમની સ્થાપના કરવામાં આવી. અણુશક્તિના વિકાસ માટે દબાણયુક્ત ભારે પાણી મેળવવા માટેના નવા પ્લાન્ટ પણ નાંખવામાં આવ્યા. તેમાં હજીરા(ગુજરાત), થલ(મહારાષ્ટ્ર), તુતિકોરિન(તમિલનાડુ) વગેરે મુખ્ય હતા. 11 મે, 1998ના રોજ આપણા દેશે પોખરણ રણ વિસ્તારમાં થર્માન્યુક્લિયર, ફિજન અને લો યિલ્ડ પ્રકારના ત્રણ અણુ વિસ્ફોટો કર્યા. તે પછી 13 મે ના રોજ લો યિલ્ડ પ્રકારના બીજા બે અણુ વિસ્ફોટ કરવામાં આવ્યા. આથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો. વિશ્વના સી.ટી.બી.ટી. સાથે સંકળાયેલા દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધો લાદવાની માંગણીઓ કરવા માંડી.

એન્ટાર્કટીકા સંશોધન કેન્દ્ર:-
એન્ટાર્કટીકા દક્ષિણ ગોળાર્ધનો 1.42 કરોડ ચો. કિમીનો વિસ્તાર ધરાવતો ખંડ છે. અહીં છ માસ દિવસ અને છ માસ રાત્રી હોય છે. આ ખંડ પર કોઈ દેશનું પ્રભુત્વ નથી. વિશ્વના દેશો માટે કેવળ પ્રયોગો અને સંશોધનો માટે તે અલગ રખાયો છે. આથી તેને વિશ્વની પ્રયોગશાળા પણ કહે છે. ભારતે 1990 સુધીમાં આ ખંડ ઉપર તેની નવ જેટલી સંશોધન ટુકડીઓ મોકલી હતી.  દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી એ ભારતે આ ખંડ પર સ્થાપેલાં સંશોધન મથકો છે. 1992માં ભારતે ડૉ. ડિસોઝાની નેતાગીરી હેઠળ એક સંશોધન ટુકડી મોકલી હતી. આ ટુકડીએ અજેય ગણાતી અહીંની પેયર પર્વતશૃંખલામાં સંશોધન શિબિર કરીને એક મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.


નિધન :-

શ્રી બિયંતસિંહની હત્યા :-
શ્રી બિયંતસિંહ પંજાબના મુખ્યમંત્રી હતા. એમણે પંજાબમાં વકરેલા ત્રાસવાદને અંકુશમાં લેવા પ્રયાસો કર્યા હતા. આથી તેનો બદલો લેવા ત્રાસવાદી સંગઠનો આતુર હતાં. 31 ઑગસ્ટ, 1995ના દિવસે રીમોટ કન્ટ્રોલથી એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો. તેમાં શ્રી બિયંતસિંહની સાથે તેમના ત્રણ સલામતી અધિકારીઓ પણ માર્યા ગયા.
મધર ટેરેસા :-
5 સપ્ટેમ્બર, 1997ના રોજ 87 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમનો જન્મ 26 ઑગસ્ટ, 1910ના રોજ યુગોસ્લાવિયામાં થયો હતો. 1929માં તેઓ ભારતમાં આવ્યાં અને આ દેશને જ પોતાની કર્મભૂમિ બનાવી. તેમને નહેરુ એવોર્ડ, શાંતિ માટેનો નોબલ એવોર્ડ, ટેમ્પલટન એવોર્ડ, શ્રી રાજીવ ગાંધી સદભાવના એવોર્ડ એમ વિવિધ સન્માન પ્રાપ્ત થયાં છે.
ગુલઝારીલાલ નંદા :-

તેમનો જન્મ 1898માં થયો હતો. તેઓ 1964 અને 1966માં એમ બે વાર કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. તે અગાઉ તેઓ મજૂરનેતા તરીકે જાણીતા બન્યા હતા. તેઓ ભારત સેવક સમાજની સ્થાપના સાથે સંકળાયેલા હતા. ઈન્દિરા ગાંધી મંત્રીમંડળમાં તેઓ ગૃહપ્રધાન રહી ચૂક્યા હતા. તેમને ભારતરત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી, 1998ના રોજ તેમનું અવસાન થયું.

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...