Panchayati Raj

પંચાયતો અંગે મહાત્મા ગાંધીજીનો ખ્યાલ :  
            “મારો ખ્યાલ એવો છે કે ગ્રામ સ્વરાજ પોતાની જીવન જરૂરિયાતો માટે પાડોશીઓ પર આધાર ન રાખતું અને જેમાં અવલંબન જરૂરી હોય એવી બીજી ઘણી જરૂરિયાતો સંબંધમાં પરસ્પરાવલંબી એવું સંપૂર્ણ પ્રજાસત્તાક છે. આ પંચાયત એના પદાવધિ વર્ષ દરમિયાન કામગીરી અર્થે વિધાનમંડળ, ન્યાયતંત્ર અને કારોબારીના સંયુક્ત સ્વરૂપે રહેશે. આજે કોઈપણ ગામ ઝાઝી દખલગીરી વિના આવું પ્રજાસત્તાક બની શકે છે.”
1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા અને તેના બીજા વર્ષે 1916માં પંચાયતી રાજ અંગે આ મુજબના શબ્દો ઉચ્ચાર્યા. : “ગામડાની સ્વચ્છતા વગેરે પ્રશ્નો ઘણા સમય પહેલાં ઉકેલી શક્યા હોત. ગ્રામ પંચાયતો હવે વિશિષ્ટ રીતે જાગૃતબળ બની રહેશે અને ભારત લગભગ તેની જરૂરિયાત મુજબનું સ્વશાસન ભોગવતું થઈ જશે.”
જૂન, 1942માં ગાંધીજીએ અમેરિકન પત્રકાર લૂઈ ફિશરને ભારતમાં દિલ્હી, મુંબઈ અને કલકત્તા જેવાં સ્થળોએ રહેલી સત્તાને ભારતનાં સાત લાખ ગામડાંમાં વહેંચી દેવાની વાત કરી હતી.
મહાત્મા ગાંધીના શબ્દો :
            “સત્તાનું કેન્દ્ર અત્યારે નવી દિલ્હીમાં અથવા કલકત્તા અને મુંબઈ જેવાં મોટા શહેરોમાં છે, પરંતુ હું ઈચ્છુ કે, આ સત્તા ભારતનાં સાત લાખ ગામડાંઓ વચ્ચે વહેંચી દેવામાં આવે.”
જો મારુ ચાલે તો દરેક ગામડાને પ્રજાસત્તાક બનાવી દઉં” – મહાત્મા ગાંધી
ગ્રામસભા એ પંચાયતી રાજની ગંગોત્રી છે : ઉછંગરાય ઢેબર
ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે : જયપ્રકાશ નારાયણ
પંચાયત એ ભારતીય બંધારણના પરિશિષ્ટ 7ના કેન્દ્ર-રાજ્ય સંબંધ અંતર્ગત અનુચ્છેદ 246 મુજબ રાજ્ય યાદીમાં સ્થાન ધરાવે છે. એટલે કે પંચાયત એ રાજ્ય યાદીનો વિષય છે.
પૌરાણિક કાળથી પંચાયતનું અસ્તિત્વ
            પંચાયત શબ્દમાં પંચ અને આયત (પંચ એટલે પાંચ અને આયત એટલે રહેઠાણ) એમ બે શબ્દોનો સમાવેશ થાય છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં ગામને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવેલ છે. મહાભારતના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણ દ્વારા પાંચ ગામની માંગણી દુર્યોધન પાસે કર્યાનો ઉલ્લેખ છે. વાલ્મિકી રામાયણમાં સંખ્યાબંધ સ્વાયત્ત ગામોના સમૂહ જેવા જનપદના અસ્તિત્વ વિશે ઉલ્લેખ છે.
ગ્રામ પંચાયતનું અસ્તિત્વ વૈદિક કાળ જેટલું પૌરાણિક ગણાય છે. ગંગા અને જમના નદી વચ્ચેના લોક વસવાટ વખતે પૃથુ રાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કર્યાનું મનાય છે. મહાભારતના સભાપર્વમાં (પ્ર.પ. શ્લોક – ૮૩) પંચ અથવા ચૂંટાયેલા ગ્રામ વડીલોના સ્થાન અંગે સૂચક ઉલ્લેખ મળે છે.  મહાભારતના શાંતિપર્વ અને મનુસ્મૃતિમાં ગ્રામસેવાના ઘણા ઉલ્લેખો મળે છે. ગ્રીક મુસાફર મેગેસ્થનીસે પંચાયતોનું પેન્ટાર્ડ નામથી વર્ણન કર્યું છે. જાતક કથાઓમાં ગ્રામસભા અંગેના ઉલ્લેખો મળે છે.
ગુપ્ત યુગમાં પંચાયતોએ વ્યવસ્થિત સ્થાન ગ્રહણ કર્યું હતું. રાજસ્થાનમાં સાતમી સદીની શરૂઆતમાં પંચકૂળ અંગેનું લખાણ ઉપલબ્ધ થાય છે. આવો જ ઉલ્લેખ કર્ણાટકના ગંગ અભિલેખમાં મળે છે.
ઈતિહાસમાં પંચાયતી રાજ
ઋગ્વેદમાં મળતા ઉલ્લેખ મુજબ ત્રણ વહીવટી સંસ્થાઓ ‘વિદથ’, ‘સભા’ અને ‘સમિતિ’ કાર્યરત હતી. વિદથ હાલના સમયની વિધાનસભા જેવું કાયદાઓ ઘડવાનું કાર્ય કરતી. સભામાં ગામના દરેક વર્ગના વ્યક્તિઓ ભાગ લઈ શકતા અને ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં મદદરૂપ થતા.
હિન્દુ ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથ ‘મનુસ્મૃતિ’ માં ‘ગામ’ નો ઉલ્લેખ જોવા મળે છે. ગામનો વહીવટ ‘ગ્રામિણી’ દ્વારા થતો હતો. શુક્રાચાર્ય દ્વારા રચિત ‘નીતિસાર’માં પણ ગામ અને તેના વહીવટ અંગેનો ઉલ્લેખ મળે છે.
અનુવૈદિક કાળમાં થઈ ગયેલા કૌટિલ્ય (ચાણક્ય) દ્વારા રચિત ‘અર્થશાસ્ત્ર’માં પણ ગામના વહીવટ કરતા ‘ગ્રામીણી’નો ઉલ્લેખ મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે ત્રણ સ્તરીય વહીવટી એકમોનો ઉલ્લેખ મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ પાંચથી દસ ગામડાઓનો સમૂહ ‘ગોપસ’ તરીકે ઓળખાતો; જેનો વહીવટ ‘સ્થાનિક’ દ્વારા થતો હતો. ‘અર્થશાસ્ત્ર’ મુજબ સ્થાનિક વહીવટદારનું પદ વારસાગત મળતું હતું. પરંતુ તેના માટે રાજાની અનુમતિ મળવી જરૂરી હતી.
ઈ.સ. પૂર્વેની ત્રીજી સદી દરમિયાન વિષ્ણુશર્મા દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘પંચતંત્ર’માં પણ ગ્રામીણ જીવન અને વહીવટ અંગેનો ઉલ્લેખ મળે છે. બૌદ્ધ સાહિત્ય મુજબ ગામડાં વહીવટની દૃષ્ટિએ સ્વતંત્ર હતાં. ગામનું મહેસૂલ ઉઘરાવતા વ્યક્તિને ‘ગામભોજકા’ તરીકે ઓળખવામાં આવતો.
પોતાની દિનચર્યા ત્રણ ભાગમાં વહેંચનાર મધ્યકાલિન પ્રજાવત્સલ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં રાજ્યનો વહીવટ વિવિધ વિભાગો દ્વારા થતો હતો તેમજ ‘જિલ્લો’ વહીવટી એકમ બન્યો હતો. નીચલા સ્તરે ગામડાનો વહીવટ ગ્રામસભા દ્વારા થતો હતો; જેનો વડો ‘મુખી’ તરીકે ઓળખાતો હતો. ચોલ વંશ દરમિયાન ગામડુ સ્વતંત્ર વહીવટી એકમ હતું. ગામડાંઓનો સમૂહ ‘કોરમ’ અથવા ‘નાડું’ અથવા ‘કોટમ’ તરીકે ઓળખાતો. ખૂબ જ મોટા ગામડાને ‘તનિયુર’ તરીકે ઓળખવામાં આવતું. કોરમનો સમૂહ ‘વેલાનાડુ’ તરીકે ઓળખાતો. ‘વેલાનાડુ’ઓ ભેગા મળીને ‘મંડલમ’ની રચના કરતા હતા. મંડલમ ભેગા થઈ ‘પ્રાંત’ની રચના કરતા હતા.
- ગામ(તનિયુર)
- કોરમ/કોટમ/નાડુ
- વેલાનાડુ
- મંડલમ્

- પ્રાંત
જિલ્લો :
પ્રાંત જુદા જુદા જિલ્લાઓમાં વિભાજિત થતો હતો. જિલ્લાનો મુખ્ય વહીવટદાર ‘સરકાર’ તરીકે ઓળખાતો હતો. ‘સરકાર’ને મદદ કરવા અને જમીન મહેસૂલ ઉઘરાવવા ‘ફોજદાર’નું પદ હતું.
પરગણાં :
‘પરગણાં’ એટલે ગામડાંઓનો સમૂહ. પરગણાંનો મુખ્ય વહીવટદાર ‘શિકદાર’ તરીકે ઓળખાતો.
બ્રિટીશ શાસન દરમિયાન પંચાયતોની સ્થાપનાના પ્રયાસો
ઈ.સ. 1687માં ઈંગ્લેન્ડના ધોરણે મદ્રાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપવામાં આવ્યું. પરંતુ સીધા કરવેરા અંગે લોકોના વિરોધને લીધે આ પ્રયોગ નિષ્ફળ ગયો. ઈ.સ. 1726માં સુધારેલા ચાર્ટર એક્ટ દ્વારા મદ્રાસ, મુંબઈ અને કલકત્તા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપવામાં આવ્યાં. દેશનાં અન્ય નગરો માટે ઈ.સ. 1842માં મ્યુનિસિપલ વ્યવસ્થાતંત્ર અમલમાં આવ્યું. જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ કરવા વર્ષ 1772માં ઈસ્ટ ઈન્ડીયા કંપનીના ગવર્નર જનરલ વોરન હેસ્ટીંગ્ઝ દ્વારા કલેક્ટરનું પદ શરૂ કરવામાં આવ્યું. કલેક્ટરની મુખ્ય કામગીરી જિલ્લાનું મહેસૂલ ઉઘરાવવાની અને ફોજદારી તેમજ દીવાની વિષયક ન્યાય તોળવાની હતી.
ઈ.સ. 1858માં ભારત સીધુ બ્રિટિશ તાજના શાસન હેઠળ આવતાં ગ્રામ્ય સ્તરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની રચનાને વેગ મળ્યો. વર્ષ 1869માં જ્યારે લોર્ડ મેયો ભારતના ગવર્નર જનરલ હતા; ત્યારે તેમણે જિલ્લા લોકલ બોર્ડની રચના કરી તેમજ એક રૂપિયાની કમાણી પર એક આનો લોકલ ફંડમાં સેસ તરીકે ઊઘરાવવાની શરૂઆત કરી. (સોળ આનાએ એક રૂપિયો થાય, 6.25%નો ટેક્ષ હતો) આ લોકલ ફંડમાંથી લોકહિતનાં કામો હાથ ધરવામાં આવતાં. ઈ.સ. 1871માં મદ્રાસ, બંગાળ, પંજાબ, યુ. પી. (યુનાઈટેડ પ્રોવિન્સ) વગેરે પ્રાંતોએ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સંસ્થાઓ સ્થાપવાના કાયદા કર્યા. 
સૌ પ્રથમ લોર્ડ મેયો દ્વારા ગ્રામ્ય સ્તરે વિકેન્દ્રીકરણ કરવાના ઉદ્દેશ્યથી ઈ.સ. 1870માં પસાર કરેલા ઠરાવમાં ગ્રામ્ય સ્તરે સ્થાનિક સ્વશાસન અને સ્થાનિક કરવેરા દાખલ કરવાનું સૂચન કરવામાં આવ્યું. વર્ષ 1870માં લોર્ડ મેયોએ વહીવટી વિકેન્દ્રીકરણમાં વધારો કર્યો અને ગ્રામ વિકાસ પર ભાર મૂક્યો. મદ્રાસ, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં ગ્રામ વિકાસ બોર્ડની રચના કરી.
પરંતુ સ્થાનિક સ્વશાસનનો નક્કર પાયો ગવર્નર જનરલ લોર્ડ રિપન દ્વારા ઈ.સ. 1882માં એક ઠરાવ પસાર કરીને નાંખવામાં આવ્યો. આથી જ લોર્ડ રિપનને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યનો પિતા કહેવામાં આવે છે.
મુંબઈ પ્રાન્તમાં ઈ.સ. 1884માં બોમ્બે લોકલ બોર્ડે એક્ટ પસાર કર્યો, જેમાં લોકલ બોર્ડ અને તાલુકા લોકલ બોર્ડની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. પરંતુ તેમાં ગ્રામ્ય માળખાનો ઉલ્લેખ ન હોવાથી પરિસ્થિતિ બગડતી રહી. વર્ષ 1889માં ‘બોમ્બે વિલેજ સેનિટેશન એક્ટ’ લાવવામાં આવ્યો. આ એક્ટ અંતર્ગત ગામડામાં સેનેટરી કમિટી અને સેનેટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી.
દરેક રાજ્યે અપનાવેલ પંચાયતી રાજના માળખામાં તફાવત હતો. જેમ કે, રાજસ્થાને ત્રિસ્તરીય માળખું અપનાવ્યું હતું; જ્યારે તમિલનાડુએ દ્વિસ્તરીય માળખું અપનાવ્યું હતું. પશ્ચિમ બંગાળે ચાર સ્તરીય માળખું અપનાવ્યું હતું. આ ઉપરાંત તફાવત જોઈએ તો રાજસ્થાન – આંધ્રપ્રદેશમાં મંડળ કક્ષાની એટલે બીજા કક્ષાની પંચાયત સમિતિ મજબૂત બનાવવામાં આવી હતી. જ્યારે મહારાષ્ટ્ર-ગુજરાતમાં જિલ્લા કક્ષાની જિલ્લા પરિષદ મજબૂત બનાવવામાં આવી હતી.


ગુજરાતમાં પંચાયતી રાજનો ઉદ્દભવ અને વિકાસ

રસિકલાલ પરીખ સમિતિ અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1961
            1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ગુજરાતમાં પંચાયતીરાજ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. તે અંતર્ગત 1960માં ગુજરાતના તત્કાલિન ગૃહપ્રધાન રસિકલાલ પરીખના અધ્યક્ષસ્થાને પંચાયતીરાજ માટે 15 સભ્યોની સમિતિ રચવામાં આવી. તે સમિતિએ આપેલ અહેવાલ અને ભલામણો અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ઘડવામાં આવ્યો.
            ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 અંતર્ગત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ અસ્તિત્વમાં આવી. ત્રિસ્તરીય પંચાયતીરાજની સૌપ્રથમ શરૂઆત 01/04/1963થી સમગ્ર ગુજરાતમાં (ડાંગ અને કચ્છ જિલ્લા સિવાય) થઈ. આ વખતે ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ અધિનિયમ પહેલાં બોમ્બે વિલેજ એક્ટ, 1958 અમલમાં હતો. આ અધિનિયમની જોગવાઈઓ કચ્છ જિલ્લામાં 15 એપ્રિલ, 1963થી અને ડાંગ જિલ્લામાં 1 જૂન, 1972થી અમલમાં આવી.

ગુજરાત પંચાયત અધિનિયમ 1961 મુજબ ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ

૧. જિલ્લા કક્ષાએ             - જિલ્લા પંચાયત
૨.  ઘટક કક્ષાએ             - તાલુકા પંચાયત
૩. ગ્રામ્ય કક્ષાએ             - ગ્રામ પંચાયત



ઝીણાભાઈ દરજી સમિતિ
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી ઘનશ્યામભાઈ ઓઝાની સરકારે 12 એપ્રિલ, 1972ના રોજ ઝીણાભાઈ દરજીની અધ્યક્ષતામાં સમિતિ રચી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ 30 સપ્ટેમ્બર, 1972ના રોજ સરકારને સોંપ્યો. તેની ભલામણો નીચે મુજબ છે.
૧.    ત્રણે સ્તરની પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિ ફરજીયાત બનાવવી. 
૨.    ગ્રામ પંચાયત સિવાય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પક્ષીય ધોરણે ચૂંટણી કરવી.
૩.    ત્રણે સ્તરની પંચાયતો માટે સીધી ચૂંટણી કરવી.
૪.    SC અને ST માટે ઓછામાં ઓછી એક અને મહિલાઓ માટે ઓછામાં ઓછી બે બેઠકો અનામત રાખવી. 
૫.    સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ થવી જોઈએ.
૬.    બેવડા સભ્યપદ પર નિયંત્રણ મૂકવું જોઈએ. અહીં બેવડા સભ્યપદનો અર્થ એ મુજબ થાય છે કે કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એમ બે પંચાયતોનો સભ્ય બનવો જોઈએ નહીં.  ઉપરાંત એક કરતાં વધુ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બનવો જોઈએ નહીં.
૭.    ગ્રામ પંચાયતોની આવક માટે કરવેરા – ઉપકરની વધુ જોગવાઈ કરવી જોઈએ. 
૮.    ગ્રામસભા પર વધુ ભાર મૂકવો.
૯. ન્યાય પંચાયતો અને સમાધાન પંચની રચનામાં ફેરફારો કરવા.

રિખવદાસ શાહ સમિતિ
            ગુજરાત સરકારે મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રિખવદાસ શાહની અધ્યક્ષતામાં 23 મે, 1977ના રોજ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ 18 જુલાઈ, 1978ના રોજ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો. તેની ભલામણો નીચે  મુજબ છે.
૧.    ગ્રામ પંચાયત સ્તરે બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવા ગ્રાન્ટ આપવી.
૨.    ગ્રામસભા પર વધુ ભાર મૂકવો. 
૩.    પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો.
૪.    ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા હોવી જોઈએ.
૫.    પંચાયતોને વધુ અધિકારો આપવા જોઈએ અને વધારે સાધનો તબદીલ કરવાં જોઈએ.


પંચાયતી રાજને બંધારણીય દરજ્જો
            બંધારણના અનુચ્છેદ-૪૦ અન્વયે વિવિધ રાજ્યો દ્વારા પંચાયતી રાજની સ્થાપના થઈ. પરંતુ તેમાં એકસૂત્રતાનો અભાવ હતો. વધુમાં ચૂંટણી દ્વારા પંચાયતોની રચના થતી હોવાના કારણે સમાજમાં પ્રભુત્વ જમાવી બેઠેલા વ્યક્તિઓ પાસે જ સંચાલન રહેતુ. આથી સમાજના નબળા વર્ગો અને મહિલાઓની ભાગીદારી મેળવવા અને પંચાયતી રાજ સંસ્થાઓનું સશક્તિકરણ કરવા માટે વિવિધ સમિતિઓ જેવી કે, ઝીણાભાઈ દરજી સમિતિ (1972), અશોક મહેતા સમિતિ (1977), રિખવદાસ શાહ સમિતિ (1977), જી.વી.કે. રાવ સમિતિ (1985), પંચાયતોને બંધારણીય દરજ્જો આપવા એલ. એમ. સિંઘવી સમિતિ (1986) અને પી.કે.થુંગન સમિતિ (1988)ની રચના કરવામાં આવી. આ સમિતિઓના પ્રયાસોના ભાગરૂપે 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો.
અશોક મહેતા સમિતિ, 1977
            શ્રી મોરારજી દેસાઈની જનતાદળ સરકારે ડિસેમ્બર, 1977માં પંચાયતીરાજ માટે અશોક મહેતાના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરી. આ સમિતિએ ઑગસ્ટ, 1978માં પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિઓમાં સૌપ્રથમ અશોક મહેતા સમિતિએ કરી હતી. અશોક મહેતા સમિતિએ 132 ભલામણો કરી; જેમાંથી મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.
૧.    બંધારણમાં સંશોધન કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને બંધારણીય દરજ્જો આપવો.
૨.    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નિયમિત અને સમયાંતરે કરવી.
૩.    પંચાયતીરાજ ત્રિસ્તરીયને બદલે દ્વિસ્તરીય કરવું. એક ગ્રામ્ય સ્તરે અને બીજુ જિલ્લા સ્તરે. 
૪.    જિલ્લા પરિષદની રચના સીધી ચૂંટણીથી થવી જોઈએ અને તેનો અધ્યક્ષ બિન-સરકારી વ્યક્તિ હોવી જોઈએ.
૫.    પંચાયતોને સુપરસીડ કરવાની રાજ્યોની સત્તા મર્યાદિત કરી, છ મહિનાની અંદર નવેસરથી ચૂંટણી કરાવવી જોઈએ.
૬.    સામાજિક ઑડિટની વ્યવસ્થા કરવી. જિલ્લા સ્તરે ‘સામાજિક હિસાબ સમિતિ’ બનાવવી; જેમાં રાજ્યની વિધાનસભાના જે-તે ક્ષેત્રના વિધાનસભ્યો સભ્ય હોય. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ સામાજિક, આર્થિક રીતે પછાત લોકો સુધી યોજનાઓના લાભ પહોંચે છે કેમ તે તપાસવું.
૭.    યોજનાઓ તથા કાર્યોનું સંકલન અને નિયમન જિલ્લા સ્તરથી સીધુ જ નીચે ગ્રામ્ય સ્તરે થવું જોઈએ.
૮.    ન્યાય પંચાયતનું નવનિર્માણ કરવું.
૯.    ‘ન્યાય પંચાયત’ને એક અલગ જ સંસ્થા બનાવવામાં આવે; જેનું અધ્યક્ષપદ યોગ્ય ન્યાયાધીશ સંભાળે તે જરૂરી હોય.
૧૦.  રાજ્યમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી અધિકારીનું પદ હોવું જોઈએ અને તે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સાથે પરામર્શ કરી ચૂંટણીની કામગીરી હાથ ધરશે.
૧૧.  પંચાયતી રાજ સંસ્થાઓમાં લોકો ભાગીદાર બનવા પ્રેરાય અને જાગૃતિ ફેલાય તે માટે બિન સરકારી સંગઠન (NGO) સક્રિય ભૂમિકા ભજવે તે જરૂરી છે.
૧૨.  પંચાયતી રાજ સંસ્થાઓ વિષયક દેખરેખ રાખવા માટે રાજ્ય મંત્રી પરિષદમાં એક મંત્રીની નિમણૂક કરવી.
૧૩.  પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) માટે તેમની સંખ્યાના આધારે બેઠકો અનામત હોવી જોઈએ.

આ સમિતિ પોતાનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરે; એ પહેલાં જનતા પક્ષની સરકાર પડી ભાંગી. જેથી આ સમિતિની ભલામણો પર ધ્યાન દેવામાં ન આવ્યું. કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશે અશોક મહેતા સમિતિની ભલામણોની જોગવાઈઓને ધ્યાનમાં રાખી પોતાના રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં ફેરફારો કર્યા.

હનુમંત રાવ સમિતિ (1984)
હનુમંત રાવ સમિતિની રચના વર્ષ 1984માં કરવામાં આવી. આ સમિતિની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.
૧.    આયોજન અને વિકાસ કાર્યો માટે જિલ્લા સ્તરની જિલ્લા પરિષદ મુખ્ય કેન્દ્ર હોવી જોઈએ.
૨.    જિલ્લા સ્તરે યોજનાઓ અને કાર્યોના આયોજન માટે અલગ સંસ્થા હોવી જોઈએ. આ સંસ્થાના કાર્યોનું સંકલન જિલ્લા કલેક્ટર દ્વારા થવું જોઈએ.
હનુમંત રાવ સમિતિની કલેક્ટરની ભૂમિકામાં વધારો કરવાની જોગવાઈ અગાઉની સમિતિઓએ કરેલી જોગવાઈ કરતાં અલગ પડે છે. કારણ કે અગાઉ આવેલી બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ, દાંતાવાલા સમિતિ (1978)એ કલેક્ટરની પંચાયતી રાજ સંસ્થાઓ અંગેની ભૂમિકામાં ઘટાડો કરવા સૂચન કર્યું હતું.

જી. વી. કે. રાવ સમિતિ – (1985)
કાર્ડ સમિતિ
માર્ચ, 1985માં યોજના આયોગના પૂર્વ સભ્ય શ્રી જી. વી. કે. રાવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ – કમિટી ટૂ રિવ્યુ ધ એક્ઝિસ્ટીંગ એડમિનિસ્ટ્રેટીવ અરેન્જમેન્ટસ ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પોવર્ટી એલિમિનેશન પ્રોગ્રામ્સ એટલે (Committee to review the existing Administrative Arrangements for Rural Develoment and poverty elimination Programme) કે ટૂંકમાં કાર્ડ’ (CAARD) સમિતિ તરીકે પણ ઓળખાય છે.
આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિકાસ અને ગરીબી નાબૂદી માટેના કાર્યક્રમોની વહીવટી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવાનો હતો. જી. વી. કે. રાવ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓની વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરતાં જણાવ્યું કે પંચાયતી રાજ સંસ્થાઓ ‘નોકરશાહીકરણ’ના કારણે નબળી બની ગઈ છે. જી. વી. કે. રાવ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓને ‘મૂળ વગરના ઘાસ’ સાથે સરખાવી.

મુખ્ય જોગવાઈઓ :
૧.    પંચાયતી રાજને ચાર સ્તરીય બનાવવામાં આવે અને રાજ્ય સ્તર પર રાજ્ય વિકાસ પરિષદની રચના કરવામાં આવે, જેના અધ્યક્ષ મુખ્યમંત્રી હોય અને મંત્રીમંડળના બધા સભ્યો અને જિલ્લા પંચાયતો કે જિલ્લા પરિષદના અધ્યક્ષો તેના સભ્યો હોય. વિકાસ કમિશ્નર તેના સભ્ય સચિવ તરીકે હોય. આ પરિષદ જિલ્લા પંચાયતની બધી યોજનાઓને અનુમોદન આપે.
૨.    જિલ્લા વિકાસ કમિશ્નરના પદની રચના કરવામાં આવે; જે જિલ્લા પરિષદનો મુખ્ય કાર્યકારી અધિકારી હોય તેમજ જિલ્લા પરિષદના દરેક વિભાગનો પ્રભારી હોય.
૩.    જિલ્લા વિકાસ કમિશ્નરનું પદ અસ્તિત્વમાં આવવાથી ‘જિલ્લા કલેક્ટર’ની પંચાયતી રાજ સંસ્થાઓ અંગેની સત્તાઓ અને ફરજો ઓછી કરવા સૂચવ્યું.
૪. પંચાયતી રાજ સંસ્થાઓમાં નિયમિત રૂપથી ચૂંટણીઓ આયોજીત થવી જોઈએ.
૫.  જિલ્લા સ્તરની પંચાયતી સંસ્થા ‘જિલ્લા પરિષદ’ને મહત્ત્વપૂર્ણ સ્થાન મળવું જોઈએ; એટલે કે પંચાયતી રાજ સંસ્થાઓના આયોજન અને વિકાસ કાર્યોનું નિયમન જિલ્લા સ્તરથી થવું જોઈએ.
૬.  જિલ્લા પરિષદના પ્રતિનિધિ માટે ત્રીસ કે ચાલીસ હજારની વસ્તી દીઠ એક પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવે. પહાડી અને વન વિસ્તારોમાં આ સંખ્યા ઓછી હોઈ શકે.  
૭.  જિલ્લા પરિષદ કે જિલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, પછાત વર્ગના લોકો અને મહિલાઓની બેઠકો યોગ્ય પ્રમાણમાં અનામત રાખવામાં આવે.
૮.  જિલ્લા પંચાયતનો અધ્યક્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટણીથી ચૂંટી શકાય. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા, હૈદરાબાદમાં (National Institute of Rural Development) પ્રશિક્ષણ આપવામાં આવે. જિલ્લા પંચાયતની મુદત 3 થી ૫ વર્ષની હોઈ શકે.
૯. જિલ્લા કક્ષાએ ચાલતી વિભિન્ન વિભાગોની કામગીરી જિલ્લા પંચાયતને સોંપવામાં આવે અને તેનું સંચાલન કરવા જિલ્લા કક્ષાની 11 સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવે.  
૧૦. ગ્રામસભાને સશક્ત બનાવવામાં આવે અને વર્ષમાં બે વાર તેની બેઠકો યોજાય.
જી. વી. કે. રાવ સમિતિએ તત્કાલિન પરિસ્થિતિનો અભ્યાસ કરીને પોતાના અહેવાલમાં સ્પષ્ટ કર્યું કે દેશના અગિયાર જિલ્લાઓમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણીઓ સમયસર થઈ શકી નથી. 

એલ. એમ. સિંઘવી સમિતિ (1986)
સિંઘવી સમિતિની રચના રાજીવ ગાંધી દ્વારા ૧૬ જૂન, ૧૯૮૬ના રોજ ર્ડા. લક્ષ્મીમલ સિંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. એલ. એમ. સિંઘવી સમિતિએ પોતાનો અહેવાલ ૫ નવેમ્બર, ૧૯૮૬ના રોજ સરકારને સોંપ્યો. તા.૨૭/૧૧/૧૯૮૬ના રોજ એલ. એમ. સિંઘવી સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની જોરદાર ભલામણ કરી હતી. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ લોકતંત્રના વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં જરૂરી સુધારાવધારા સૂચવવાનો હતો.
મુખ્ય જોગવાઈઓ :
1.      પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન આપવામાં આવે અને બંધારણમાં અલગ પ્રકરણ ઉમેરવામાં આવે. જેથી પંચાયતી રાજ સંસ્થાઓની વિશ્વસનીયતા નિશ્ચિત થઈ શકે.
2.      ગામડાંઓના સમૂહો માટે સંયુક્ત ન્યાય પંચાયતની સ્થાપના કરવામાં આવે.
3.      ગામડાંઓમાં લોકતંત્રના પ્રભાવમાં વધારો થાય તે માટે ગ્રામસભા પર વધુ ભાર મૂકવામાં આવે. 
4.      પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી નિયમિત અને નિષ્પક્ષ રીતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે.
5.      પંચાયતી રાજમાં પક્ષીય રાજનીતિ ન હોવી જોઈએ.
6.      ન્યાય પંચાયતો અથવા ગ્રામ ન્યાયાલયોની ઉચિત વ્યવસ્થા થાય.
7.      કેન્દ્ર સરકાર પ્રત્યેક રાજ્ય માટે રાજ્ય નાણાપંચની રચના કરે અને પંચાયતી રાજમાં વિકાસ કાર્યો માટે નાણાંની જોગવાઈ કરે.
8.      પંચાયતી રાજ સંસ્થાઓને કર નાખવાની સત્તા આપવામાં આવે.
9.      કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રીય સ્થાનિક સ્વ-શાસન સંસ્થાન અને પ્રત્યેક રાજ્યમાં રાજ્ય સ્થાનિક સ્વશાસન સંસ્થાનની સ્થાપના કરવામાં આવે.
10.  દરેક રાજ્યમાં પંચાયતી રાજ સંબંધી વિવાદોના ઉકેલ માટે પંચાયતી રાજ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવે.

પી. કે. થુંગન સમિતિ (1988)
વર્ષ 1988માં રાજીવ ગાંધી સરકારે કોંગ્રેસ સાંસદ પ્રેમા ખાંડુ  થુંગનની અધ્યક્ષતામાં સંસદીય સમિતિનું ગઠન કર્યું. આ સમિતિની રચના પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની બાબત પર વિચારણા કરવા માટે કરવામાં આવી હતી.
મુખ્ય જોગવાઈઓ :
૧. પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન મળવું જોઈએ.
૨. પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણીઓ નિયમિતપણે  યોજવી જોઈએ. ચૂંટાયેલી પેનલની સમયમર્યાદા પાંચ વર્ષની હોવી જોઈએ.
૩. જિલ્લા પંચાયતોને વિકાસ અને આયોજનનાં કાર્યો માટે મહત્ત્વની ભૂમિકા ભજવવા પર ભાર મૂક્યો.
૪. જિલ્લા કલેક્ટરને જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી બનાવવામાં આવે.
૫. પંચાયતી રાજ સંસ્થાઓનો કાર્યકાળ પાંચ વર્ષનો કરવામાં આવે. 

રાજીવ ગાંધીની સરકાર દ્વારા પ્રયત્ન
પી. કે. થુંગન સમિતિની ભલામણોના આધારે રાજીવ ગાંધીની સરકારે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો મળે તે માટે પ્રયત્ન કર્યો. રાજીવ ગાંધી સરકારે વર્ષ 1989ના જુલાઈ માસમાં 64મું બંધારણીય સુધારા વિધેયક લોકસભામાં રજૂ કર્યું. એ વિધેયક લોકસભામાં ઑગસ્ટ, 1989માં બહુમતીથી પસાર થયું. પરંતુ રાજ્યસભાએ એ કારણ આપી વિધેયકને પસાર થતાં અટકાવ્યું કે આ વિધેયક મુજબ કેન્દ્ર પાસે વધુ સત્તા રહેશે. જેથી લોકશાહી વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત જળવાશે નહીં.

વી. પી. સિંહની સરકાર દ્વારા પ્રયત્ન
રાજીવ ગાંધી સરકાર પડી ભાંગ્યા પછી નવેમ્બર, 1989માં વિશ્વપ્રતાપ સિંહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મોરચા પક્ષે કાર્યભાર સંભાળ્યો. પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન મળે તે માટે વર્ષ 1990ના જૂન માસમાં વી. પી. સિંહની અધ્યક્ષતામાં દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બે દિવસીય સંમેલન આયોજીત કરવામાં આવ્યું. સંમેલન દરમિયાન પંચાયતી રાજ અંગેનો બંધારણીય સુધારો સંસદમાં રજૂ કરવા અંગે મુખ્યમંત્રીઓ સાથે સહમતી સાધવામાં આવી. સપ્ટેમ્બર, 1990ના રોજ વી. પી. સિંહ સરકારે 72મું બંધારણીય સુધારા વિધેયક લોકસભામાં રજૂ કર્યું. પરંતુ વિધેયક પસાર થાય તે પહેલાં સરકારે બહુમતી ગુમાવતાં લોકસભાનું વિસર્જન થયું અને તે સાથે બંધારણીય સુધારા વિધેયક પણ સમાપ્ત થયું.  

નરસિંમ્હા રાવની સરકાર દ્વારા પ્રયત્ન
રાષ્ટ્રીય મોરચા પાર્ટીનું પતન થતાં ફરી પામુલાપાર્તી વેંકટ નરસિંમ્હારાવની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષે સત્તા સંભાળી. પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન મળે તે ઉદ્દેશથી 73મું બંધારણીય સુધારા વિધેયક લોકસભામાં રજૂ કર્યું; જે 23 ડિસેમ્બર, 1992ના રોજ સંસદમાંથી બહુમતી સાથે પસાર થયું. ત્યાર બાદ તેને 17 રાજ્યોની વિધાનસભા દ્વારા માન્યતા મળી. આ પંચાયતી રાજ અધિનિયમ 1992નું અમલીકરણ 24 એપ્રિલ, 1993થી થયું. આથી દર વર્ષે 24 એપ્રિલ પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવાય છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એ પણ છૂટ આપી કે રાજ્યમાં પંચાયતીરાજ સંસ્થાઓની પેનલો તેમની મુદત સુધી ચાલુ રહેશે; પરંતુ મુદત પૂરી થયે નવા અધિનિયમ મુજબ ચૂંટણીઓ થશે.

73 મો બંધારણીય સુધારો, 1992
            ૭૩મા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. તા. ૨૭-૧૧-૧૯૮૬ ના રોજ એલ.એમ.સિંઘવી સમિતિએ પંચાયતી રાજને બંધારણમાં સ્થાન આપવાનું સૂચવ્યું હતું. તા. ૧૫-૫-૧૯૮૯ ના રોજ લોકસભામાં ૬૪મું બંધારણીય સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું.  આ વિધેયક લોકસભા દ્વારા તા. ૧૦-૮-૧૯૮૯ના રોજ પસાર કરવામાં આવ્યું. પરંતુ તા. ૧૫-૧૦-૧૯૮૯ના રોજ રાજ્યજસભાએ તેને નામંજૂર કર્યું.
            ભૂ.પૂ. વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા સક્રિય રસ લીધો. તેમણે દેશની તમામ પંચાયતોના સરપંચોને તેમનો અભિપ્રાય જાણવા પત્રો લખ્યા હતા અને દરેક રાજ્યમાં સંમેલનો ભર્યાં હતાં. છેવટે તા. ૨૨-૧૨-૧૯૯૨ના રોજ લોકસભાએ અને ૨૩-૧૨-૧૯૯૨ના રોજ રાજ્યસભાએ ૭૩મો બંધારણીય સુધારો પસાર કર્યો. ત્યાર બાદ તેને અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાની સંમતિ મળતાં 24 એપ્રિલથી પંચાયતી રાજને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો. ભારતના બંધારણમાં કલમ 243 –A થી 243 – O ઉમેરવામાં આવી, અનુચ્છેદ ૨૮૦માં સુધારો કર્યો અને ૧૧મી અનુસૂચિ બંધારણમાં ઉમેરવામાં આવી. પંચાયત ધારાની જોગવાઈ બંધારણમાં નવમા ભાગમાં દાખલ કરવામાં આવી. પંચાયતી રાજ એ રાજ્યયાદીનો વિષય છે.

73 મો બંધારણીય સુધારો - 1992
243      -          વ્યાખ્યાઓ
243-ક A -    ગ્રામસભાની જોગવાઈ
243-ખ B -    પંચાયતોની રચના
(૧) દરેક રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના
(૨) વીસ લાખથી ઓછી વસતીવાળા રાજ્યોમાં મધ્યવર્તી પંચાયતી રાજની રચના કરી શકાશે નહી.
243-ગ C-       પંચાયતોની સંરચના
243-ઘ D-       બેઠકો અનામત રાખવા બાબત
243-ચ E-       પંચાયતોની મુદત વગેરે નક્કી કરવા બાબત
243-છ F-       સભ્યપદ માટેની ગેરલાયકાતો
243-જ G-       પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ (અનુસૂચી-11)
243-ઝ H-     પંચાયતોના ફંડ અને વેરા નાખવાની સત્તા
243-ટ I-         રાજ્યપાલ દ્વારા નાણાકીય જોગવાઈ માટે નાણા પંચની રચના અને કાર્યો
243-ઠ J-       પંચાયતોના હિસાબોનું ઓડિટ માટે રાજ્ય વિધાનસભા જોગવાઈ કરશે
243-ડ  K-       પંચાયતોની ચૂંટણી
243-ઢ  L-       સંઘ રાજ્ય ક્ષેત્રોને લાગુ પાડવા બાબત
243-ત M-      અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહિ પાડવા બાબત (આ ધારાની જોગવાઈઓ નાગાલેંડ, મેઘાલય અને મિઝોરમ રાજ્યોને તેમજ મણિપુર રાજ્યના ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલ ધરાવતા પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાને લાગુ પડશે નહી.)
243-થ -          વિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રાખવા બાબત
243-દ -           ચૂંટણી સંબધી બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાધ
બંધારણની કલમ-280(3)(ખ) પછી ઉમેરો કરી (ખખ) રાજ્યના નાણાપંચની ભલામણો આધારે પંચાયતોની આવકને પૂરક બનાવવા રાજ્યના એકત્રિત ભંડોળ વધારવા જરૂરી હોય તેવા પગલાં.
અનુસૂચિ-11માં અનુચ્છેદ- 243-જ (G) મુજબ 29 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
            ગુજરાત સરકારે પ્રથમ 1 થી 14 વિષયો પંચાયતોને તબદીલ કરેલ છે. જ્યારે 15 થી 19 વિષયો અંશત: તબદીલ કરેલ છે અને 20 થી 29 વિષયો હજુ પંચાયતોને તબદીલ કરવાના બાકી છે.
અનુસૂચિ – 11
૧. ખેતી અને કૃષિ વિસ્તરણ
૨. ગૌણ સિંચાઈ, પાણી વ્યવસ્થા અને જળસ્ત્રાવ વિકાસ 
૩. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને દવાખાના સહિત આરોગ્ય અને સ્વચ્છતા
૪. ગ્રામ ગૃહ નિર્માણ
૫. પીવાનું પાણી
૬. રસ્તા, ગરનાળાં, પૂલો, નૌકાઘાટ, જળ માર્ગો અને વાહન વ્યવહારનાં બીજાં સાધનો
૭. ગૌણ વન પેદાશો
૮. બળતણ અને ઘાસચારો
૯. ગરીબી નાબૂદી કાર્યક્રમ
૧૦. બજાર અને મેળા
૧૧. પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મરઘાં-બતકાં ઉછેર
૧૨. પરિવાર કલ્યાણ
૧૩. મહિલા અને બાળ વિકાસ
૧૪. નબળા વર્ગોના અને ખાસ કરીને અનુ.જાતિ અને અનુ.જનજાતિના લોકોનું કલ્યાણ
૧૫. પ્રાથમિક અને માધ્યમિક શાળા સહિતનુ શિક્ષણ
૧૬. પ્રૌઢ અને અનૌપચારિક શિક્ષણ
૧૭. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
૧૮. વિકલાંગ, મંદ બુદ્ધિવાળા વ્યક્તિઓના કલ્યાણ  સહિત સમાજ કલ્યાણ
૧૯. સામુદાયિક મિલકતની જાળવણી
૨૦. જમીન સુધારણા, જમીન સુધારણાનું અમલીકરણ, એકત્રીકરણ અને ભૂમિ સંરક્ષણ
૨૧. મત્સ્યોદ્યોગ
૨૨. સામાજિક વનીકરણ, ફાર્મ વનીકરણ
૨૩. ખાદી, ગ્રામ અને કુટિર ઉદ્યોગો
૨૪. ખાદ્ય પ્રક્રિયા સહિતના લઘુ ઉદ્યોગો
૨૫. વીજળી વિસ્તરણ સહિત ગ્રામ્ય વીજળીકરણ
૨૬. બિન પરંપરાગત ઉર્જાના સાધનો
૨૭. ટેક્‍નિકલ તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ
૨૮. જાહેર વિતરણ વ્યવસ્થા
૨૯. ગ્રંથાલયો
           
73મા સુધારાની મુખ્ય જોગવાઈઓ
૧.    વીસ લાખ ઉપરની વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરવી. વીસ લાખથી ઓછી વસ્તી ધરાવતાં રાજ્યોમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરવી.  
૨.    દરેક સ્તરની પંચાયતોમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવી.
૩.    દર પાંચ વર્ષે પંચાયતોની ચૂંટણી ફરજીયાતપણે કરવી.
૪.    વિસર્જિત પંચાયતોની ચૂંટણી છ મહિનામાં અવશ્ય કરવી અને આવી નવી પંચાયતની મુદત વિસર્જિત પંચાયતની બાકી રહેલી મુદત પૂરતી જ રહેશે.
૫.    દરેક પંચાયતની મુદત તેની પહેલી બેઠકની તારીખથી પાંચ વર્ષની ગણાશે.  
૬.    અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો  વસ્તીના ધોરણે અનામત રાખવી. બધા જ પ્રકારની અનામત બેઠકો વારાફરતી ફરતી રહે તે મુજબ વ્યવસ્થા કરવી.   
૭.    બક્ષીપંચ/સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ  માટે 10% બેઠકો અનામત રાખવી.  
૮.    વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવી.
૯.    દરેક સ્તરે સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાતપણે કરવી.  
૧૦.  સમગ્ર જિલ્લાની વિકાસ દરખાસ્તો માટે જિલ્લા આયોજન સમિતિની રચના કરવી.
૧૧.  પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચ કરશે.
૧૨.  પંચાયતોને આર્થિક સહાય માટે દર પાંચ વર્ષે નાણાપંચની જોગવાઈ કરવી.  
૧૩.  ગ્રામ્ય સ્તરે ગ્રામસભાની જોગવાઈ કરવામાં આવી.
૧૪.  તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષોની ચૂંટણી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરાશે.
૧૫.  દરેક સ્તરે મતાધિકાર 18 વર્ષે આપવામાં આવ્યો, પરંતુ સભ્યપદની ચૂંટણી માટે 21 વર્ષની વયમર્યાદા નિશ્ચિત કરવામાં આવી.
૧૬. પંચાયતોને સોંપવામાં આવેલા વિષયોની યાદી બંધારણની 11મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી.
૧૭. પંચાયતોને કર, ફી નાંખવાની સત્તા આપવામાં આવી.
૧૮. પંચાયતોના હિસાબ અને ઑડિટ અંગેની જોગવાઈ વિધાનસભા કાયદો ઘડીને કરશે તેવી જોગવાઈ કરવામાં આવી.
૧૯. આ ધારાની જોગવાઈઓ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય રાજ્યોને તેમજ મણિપુર રાજ્યના ડિસ્ટ્રીક્ટ કાઉન્સીલ ધરાવતા પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાને લાગુ પડશે નહીં.
૨૦. ગ્રામસભાને વધુ મજબૂત બનાવવા માટે વિધાનસભાને કાયદો ઘડીને વધારે અધિકારો આપવાની જોગવાઈ કરવામાં આવી.

બંધારણમાં ૭૩મા સંશોધનથી દાખલ કરેલ જોગવાઈઓ વિગતવાર
ભાગ - ૯ : પંચાયતો

અનુચ્છેદ : ૨૪૩ વ્યાખ્યા
ભાગમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત હોય તો,-
() “જિલ્લોએટલે, રાજ્યમાંનો જિલ્લો;
() “ગ્રામ સભાએટલે, ગ્રામ સ્તરે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું બનેલું મંડળ;
() “મધ્યવર્તી સ્તરએટલે, રાજ્યના રાજ્યપાલ જાહેરનામાથી, ગામના હેતુઓ માટે મધ્યવર્તી સ્તર તરીકે નિર્દિષ્ટ કરે તેવુ ગ્રામ્ય અને જિલ્લા સ્તર વચ્ચેનું સ્તર;
() “પંચાયતએટલે, ગ્રામ્ય વિસ્તારો માટે અનુચ્છેદ ૨૪૩- હેઠળ રચાયેલ ગમે તે નામે ઓળખાતી સ્વરાજ્યની સંસ્થા;
() “પંચાયત વિસ્તારએટલે પંચાયતનો પ્રાદેશિક વિસ્તાર;
() “વસ્તીએટલે જેને લગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય તેવી છેલ્લી વસ્તી ગણતરીમાં નક્કી થયા પ્રમાણેની વસ્તી;
() “ગામએટલે ભાગના હેતુઓ માટે, રાજ્યપાલે જાહેરનામાથી નિર્દિષ્ટ કરેલ ગામ અને તેમાં તેવી રીતે નિર્દિષ્ટ કરેલ ગામોના સમૂહનો સમાવેશ થશે.

અનુચ્છેદ : ૨૪૩.ક ગ્રામસભા
ગ્રામસભા, ગ્રામ્ય સ્તરે રાજ્ય વિધાનમંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી સત્તાઓ વાપરી શકશે અને તેવા કાર્યો બજાવી શકશે.

અનુચ્છેદ : ૨૪૩.ખ પંચાયતોની રચના
() ભાગની જોગવાઈઓ અનુસાર, દરેક રાજ્યમાં, ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે, પંચાયતોની રચના કરવી જોઈશે.
() ખંડ ()માં ગમે તે મજકૂર હોય તે છતાં, વીસ લાખથી વધુ હોય તેવી વસ્તીવાળા રાજ્યમાં, મધ્યવર્તી સ્તરે, પંચાયતોની રચના કરી શકાશે નહી. 

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...